Updated: Mar 14th, 2023
– વ્હાઈટ હાઉસની “યુ-ટયુબ’ના પ્રસારણમાં તે સ્પષ્ટ દેખાયું પરંતુ પછીથી થતી કોમેન્ટ્સ સમયે તે ટર્ન ઓફ કરાઈ
વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ જો બાયડન પ્રેસ-મીટ અર્ધેથી છોડી દેવા માટે જાણીતા છે, પરંતુ આ વખતે (સોમવારે) ‘સિલિકોન-વેલી-બેન્ક’ ભાંગી પડવા સંબંધે પૂછાયેલા પ્રશ્નો ઉલેચી તેઓ મીટ છોડી ચાલ્યા ગયા તેથી બહુવિધ અટકળો થઈ રહી છે.
જ્યારે બાયડને કહ્યું, સ્થિતિસ્થાપક બેન્કીંગ સીસ્ટીમ જાળવી રાખવા અને આપણી ઐતિહાસિક ઈકોનોમિક રીકવરીને રક્ષવા ત્યારે વચમાંથી જ એક પત્રકારે પૂછ્યું પ્રેસિડેન્ટ તમે અત્યારે આ ઘડીએ તે અંગે શું જાણો છો ? અને તમે અમેરિકનોને તેવી ખાતરી આપી શકશો કે તેની રીયલ ઈફેક્ટ નહીં થાય ? શું બીજી બેન્કો પણ પડી ભાંગશે તેમ તમે માનો છો ?
આનો કશો પણ ઉત્તર આપ્યા સિવાય જ પ્રમુખ ઉભા થઈ ગયા અને પ્રેસ રૂમ છોડી જવા લાગ્યા. તે ઘટના આશરે ૪૦ લાખ દર્શકોએ ટીવી ઉપર જોઈ હતી તે સાથે તે અંગે ટીકા-ટિપ્પણીઓ સમયે ‘યુ-ટયુબ’ પ્રસારણ બંધ કરી દેવાયું.
આ કંઈ પહેલી જ ઘટના નથી કે જ્યારે પત્રકારો ભરેલો પ્રેસ રૂમ છોડી પ્રમુખ ચાલ્યા ગયા હોય. ચીનનાં સ્પાય બલૂન અંગે નિવેદન પ્રસિદ્ધ કર્યા પછી પત્રકારોએ તેમને સીધો પ્રશ્ન કર્યો હતો કે, તમારા કુટુમ્બીજનોના (ચીન સાથે સંકળાયેલા) વ્યાપારી સંબંધોને લીધે તમો આમ કરો છો ત્યારે બાયડને કહ્યું હતું કે ‘હવે મને છોડો’ આમ કહી બાયડન ચાલ્યા ગયા હતા.
ગત વર્ષે કોલંબિયાના પ્રમુખ સાથેની મુલાકાત પછી બાયડનને પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપવાને બદલે તેમણે માત્ર સ્મિત જ કર્યું હતું તે પરથી કેટલાક પત્રકારોએ કહ્યું હતું. તે પત્રકારોને કશું કહેવા માગતા નથી કારણ કે તેમની પાસે કોઈ જવાબ જ નથી.
૨૦૨૧માં પણ એક પત્રકારે પ્રશ્નોના ઉત્તરો ન આપવા માટે પ્રમુખની ટીકા કરી હતી. સીબીએસના રીપોર્ટરે બાયડન જેવા પ્રેસ રૂમની બહાર જવા લાગ્યા ત્યારે એક પત્રકારે પૂછ્યું કે, તો પછી તમે શી-જિનપિંગ સાથેની તમારી મુલાકાત સંબંધે પ્રશ્નોના જવાબો આપશો ? ત્યારે પણ કશો જવાબ આપ્યા સિવાય બાયડન પ્રેસ રૂમની બહાર નીકળી ગયા હતા.