Updated: Mar 14th, 2023
– સરહદે શાંતિની વાતો વચ્ચે ડ્રેગનનું કાવતરું
– ખીલ્લા લગાવેલા હથોડા જેવા હથિયારોને ચલાવવાની ચીની સૈનિકોને વિશેષ તાલિમ પણ આપવામાં આવી હોવાના અહેવાલ
બેજિંગ : એક તરફ ચીન સરહદે શાંતિની વાતો કરે છે જ્યારે બીજી તરફ ભારત સામે ઉપયોગમાં લેવાતા ઘાતક હથિયારો ખરીદી રહ્યું છે. ગલવાન ઘાટીમાં ચીનના સૈનિકોએ ભારતીય જવાનો પર હુમલો કરી દીધો હતો, જેમાં અનેક ભારતીય જવાનો શહીદ થયા હતા. આ હુમલામાં ચીની સૈનિકોએ જે ઘાતક હથિયારોનો ઉપયોગ કર્યો હતો તેવા જ વધુ હથિયારો ચીન ખરીદવા જઇ રહ્યું છે.
આ મહિનામાં જ ચીનના વિદેશ મંત્રી કિન ગાંગે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરને કહ્યું હતું કે ચીન ભારત સાથે મળીને સરહદી વિવાદોનો ઉકેલ લાવવા માગે છે અને વાતચીત દ્વારા શાંતિ સ્થપાય તેવુ ઇચ્છે છે.
બીજી તરફ ચીનના સૈન્યએ આ વર્ષે જ જાન્યુઆરી મહિનામાં ધારદાર કાંટાળા હથિયારો ખરીદવા માટેના ટેંડર બહાર પાડયા હતા.
આ ટેંડર એવા હથિયારોની ખરીદી માટે હતા કે જેનો ઉપયોગ ગલવાન ઘાટીમાં ભારતીય જવાનો સામે કરવામાં આવ્યો હતો. એવા અહેવાલો છે કે આ હથિયારોને ખરીદી લેવામાં આવ્યા છે.
જેનો ઉપયોગ ભવિષ્યમાં ચીની સૈનિકો ગલવાન ઘાટી જેવા હુમલાને અંજામ આપવા માટે કરી શકે છે.
રિપોર્ટ મુજબ ચીની સૈન્યના જવાનોને આ પ્રકારના ધારદાર હથિયારો ચલાવવાની તાલીમ પણ આપવામાં આવી છે. ચીનમાં અપરાધીઓની સામે આ પ્રકારના હથિયારોનો ઉપયોગ થતો આવ્યો છે. આ પ્રકારના હથિયારો હથોડા જેવા અને આગળ ધારદાર કાંટા લાગેલા હોય છે. જેની લંબાઇ ૧.૮ મિટર જેટલી હોય છે. ચીન બાબતોના નિષ્ણાતોએ દાવો કર્યો છે કે આ હથિયારોનો ઉપયોગ ચીન ભારતની સામે કરવા માગે છે.
આશરે ત્રણ હજાર જેટલા આવા હથિયારોની ખરીદીનો ઓર્ડર ચીની સૈન્યએ આપ્યો હતો. જેમાંથી મોટા ભાગની ખરીદી કરી લેવામાં આવી છે. ચીની જવાનો પાસે ઘાતક બંદુકો તો હોય જ છે, આ ઉપરાંત તે આ પ્રકારના હથિયારો પણ સાથે રાખે છે. જ્યારે બંદુક ચલાવવાની પરિસ્થિતિ ન હોય ત્યારે તે આ પ્રકારના હથિયારોનો ઉપયોગ કરે છે.