Updated: Mar 14th, 2023
– રાહુલ ગાંધીએ વિદેશની ધરતી પર જઈને ભારત, ભારતીય લોકતંત્ર અને ભારતની સંસદનું અપમાન કર્યું: ગિરિરાજ સિંહ
નવી દિલ્હી, તા. 14 માર્ચ 2023, મંગળવાર
BJP સાંસદ ગિરિરાજ સિંહે કોંગ્રેસ પાર્ટી પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પીએમ મોદીની હત્યા કરાવવા માંગે છે. પંજાબમાં વડા પ્રધાનની સુરક્ષામાં ચૂકનો હવાલો આપતા ગિરિરાજ સિંહે કહ્યું કે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી.
તેમણે કહ્યું કે, અડાણી તો માત્ર બહાનુ છે મોદીને અપશબ્દો બોલવા માટેનું. 10 વર્ષમાં તેમની સરકાર વિવાદોમાં ઘેરાયેલી રહી અને 10 વર્ષમાં મોદીની સરકાર અપેક્ષાઓથી ઘેરાયેલી રહી. ગિરિરાજ સિંહ બોલ્યા કે, હવે આ લોકો કહી રહ્યા છે કે મોદીનો નાશ થશે તો જ આ સરકાર ખતમ થશે. પહેલા તો આ લોકો ગાળો આપતા હતા, મૌતનો સોદાગર કહેતા કહેતા હતા પરંતુ હવે તેમની હત્યા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે, પીએમ મોદી જ્યારે કોંગ્રેસની સરકારમાં પંજાબ ગયા હતા ત્યારે તેમને બીચ ફ્લાયઓવર વચ્ચે રોકવામાં આવ્યા હતા અને તેમને મારવાની પૂરી તૈયારી કરી લેવામાં આવી હતી. હવે તેમના નેતા વડા પ્રધાનને ખતમ કરવાની વાત કરી રહ્યા છે.
આ ઉપરાંત સોમવારે પણ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. તેમણે રાહુલ ગાંધી પર વિદેશ જઈને ભારતનું અપમાન કરવાનો આરોપ લગાવતા તેમના વિરુદ્ધ દેશદ્રોહનો કેશ દાખલ કરવાની માંગ કરી હતી.
તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ વિદેશની ધરતી લંડન જઈને ભારત, ભારતીય લોકતંત્ર અને ભારતની સંસદનું અપમાન કર્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, ગૃહમાં ખોટા આક્ષેપો કરનાર રાહુલે વિદેશની ધરતી પર જઈને ભારતની સંસદનું પણ અપમાન કર્યું છે. તેઓ સંસદના આ સત્રમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પાસે રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરે છે.