નેતાઓનું મૌન અને અધિકારીઓના દાનતના અભાવે
પાણી પુરવઠા વિભાગ દ્વારા ઉનાળામાં લાખો કરોડોના ખર્ચ છતા દર વર્ષે સમસ્યા ઠેરની ઠેર
ભુજ: સરકારની વિકાસ યાત્રાની વચ્ચે એક વાસ્તવિકતા એ પણ છેકે ઉનાળાના પ્રારંભ સાથે જ કચ્છના છેવાડાના ગ્રામિણ વિસ્તારમાં પીવાના પાણીના વલખા શરૂ થયા છે. દર વર્ષે પાણી વિતરણ પાછળ સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચાય છે અને પાણી પુરવઠા વિભાગ દ્વારા લાખો રૂપિયાના આયોજન ઘડી કઢાય છે પરંતુ ચોમાસાનું આગમન ન થાય ત્યાં સુધી પાણીની તંગી ચાલું રહે છે. ત્યારે હજુ તો ઉનાળાની શરૂઆત છે ત્યાં જ કચ્છના ગ્રામિણ વિસ્સ્તારમાં પાણીની ખેંચ વરતાઈ રહી છે.
ચૂંટાયેલા નેતાઓના મૌન રહેવાના અને સરકારી બાબુઓની કામ કરવાની દાનતનો અભાવના પાપે પાણી નથી મળી રહ્યાનો સુર ગામડાઓમાંથી ઉદભવી રહ્યો છે.ખાસ કરીને કચ્છના છેવાડાના બન્ની-પચ્છમ અને લખપત તેમજ અબડાસાના ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સમસ્યા દર વર્ષે યથાવત રહે છે. કેટલાક ગામોમાં તો નવી પાઇપ લાઇનો નાખી દેવા છતાંય આ ગામને પાણી નથી મળી રહ્યું. અનેક ફરિયાદો કરવા છતાંય કોઇ ઉકેલ નથી. ઉનાળાના પ્રારંભ સાથે ભુજ ખાતે પાણી પુરવઠા વિભાગની કચેરીએ ગ્રામજનો રજૂઆત કરવા દોડી આવે છે.
સરપંચથી માંડીને તાલુકા જિલ્લા તેમજ વિધાનસભાની ચૂંટણી વખતે ઉમેદવારો પીવાના પાણીની કોઈ સમસ્યા નહિં રહે તેવા વાયદાઓ કરતા હોય છે પરંતુ ચૂંટાયા બાદ પાંચ વર્ષ સુધી પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ આવતું નથી.