Updated: Mar 14th, 2023
વડોદરા, તા. 14 માર્ચ 2023 મંગળવાર
વડોદરાની બ્લાઈન્ડ સ્કૂલમાં ભણતી ધો.૧૦ની વિદ્યાર્થિની એશા મકવાણા લેપટોપ પર પરીક્ષા આપનાર ગુજરાત બોર્ડની પહેલી વિદ્યાર્થિની બની હતી.
એશા શહેરની રોઝરી સ્કૂલમાંથી બોર્ડ પરીક્ષા આપી રહી છે.આજે તેણે પહેલુ પેપર આપ્યુ હતુ.
બોર્ડ પરીક્ષા આપવા માટે બોર્ડ દ્વારા તેને વિશેષ મંજૂરી આપવામાં આવી છે.આમ તેને રાઈટરની પણ જરુર નથી રહી.વિદ્યાર્થિનીને બ્રેઈલ લિપિમાં પ્રશ્નપત્ર આપવામાં આવ્યુ હતુ અને તેના જવાબ તેણે લેપટોપ પર જ ટાઈપ કરીને લખ્યા હતા.લેપટોપમાં ઈન્સ્ટોલ સોફટવેરના કારણે તે જે પણ શબ્દ ટાઈપ કરશે તે તેને સંભળાતો હોવાથી તે શું લખી રહી છે તેનો તેને ખ્યાલ આવી જતો હતો.
પેપર પુરુ થયા બાદ સુપરવાઈઝરે તેણે લખેલા જવાબોનો પ્રિન્ટઆઉટ લઈને તેને ઉત્તરવાહી સાથે એટેચ કરી દીધા હતા.આમ નોર્મલ વિદ્યાર્થીઓની જેમ જ તેનુ પેપર પણ ચેક થશે.
બ્લાઈન્ડ સ્કૂલના આચાર્યે કહ્યુ હતુ કે, ગયા વર્ષે પણ વડોદરામાંથી એક વિદ્યાર્થિનીએ ધો.૧૦ની બોર્ડ પરીક્ષા આપી હતી પણ તે વિદ્યાર્થિની સેન્ટ્રલ બોર્ડની હતી.એશા મકવાણા ગુજરાત બોર્ડની લેપટોપ પર પરીક્ષા આપનાર પહેલી પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થિની બની હતી.