Updated: Mar 14th, 2023
– ધીમી પડતું જતું અર્થતંત્ર મહત્વનું કારણ
– ખર્ચ ઘટાડવા ફેસબૂકે ચાર મહિના પહેલાં જ 11,000 કર્મચારીઓની છટણી કરી હતી
વોશિંગ્ટન : ફેસબૂકની પેરેન્ટ કંપની મેટાએ જણાવ્યું હતું કે તે દસ હજાર કર્મચારીઓને છૂટા કરશે. કંપનીએ હજી ચાર મહિના પહેલા ૧૧ હજાર કર્મચારીઓની છટણી કરી હતી. સામૂહિક છટણીની જાહેરાત કરનારી મેટા સૌપ્રથમ કંપની હતી. બીજી ટેક કંપનીઓ પછી તેને અનુસરી હતી.
કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માર્ક ઝકરબર્ગે કર્મચારીઓને પાઠવેલા તેના સંદેશામાં જણાવ્યું હતું કે અમે ટીમના કદમાં દસ હજારનો ઘટાડો કરવાનું આયોજન કરી રહ્યા છીએ અને અમે બીજા પાંચ હજારની ભરતી કરવાના હતા તે નહી કરીએ.
ઝુકરબર્ગ ૨૦૨૩માં કંપનીનો ખર્ચ ૯૫ અબજ ડોલરથી ઘટાડીને ૮૯ અબજ ડોલરે લઈ જવાનું આયોજન ધરાવે છે, તેના સંદર્ભમાં આ પગલું લેવામાં આવ્યું હતું. અર્થતંત્રમાં થયેલા ઘટાડાના લીધે સમગ્ર અમેરિકામાં કોર્પોરેટ જગતમાં સામૂહિક સ્તરે છટણી થઈ રહી છે.
વોલસ્ટ્રીટની બેન્ક જેવી કે ગોલ્ડમેન સેક્સ અને મોર્ગન સ્ટેન્લી, એમેઝોન અને માઇક્રોસોફ્ટ સહિતની બિગ ટેક ફર્મ્સે પણ મોટાપાયે છટણી કરી છે. ૨૦૨૨ના પ્રારંભથી અત્યાર સુધી ટેક ઇન્ડસ્ટ્રીએ ૨,૮૦,૦૦૦ની છટણી કરી છે. આમાથી ૪૦ ટકા છટણી ચાલુ વર્ષે થઈ છે, એમ લે ઓફ ટ્રેકિંગ સાઇટે જણાવ્યું હતું.