Updated: Mar 13th, 2023
– સજાતીય લગ્નને કાયદેસર માન્યતા આપવા માગ
– હિન્દુત્વ અને ઇસ્લામમાં પણ સ્ત્રી અને પુરુષના જ લગ્ન-નિકાહને માન્યતા, સજાતીય લગ્નો પરંપરા વિરુદ્ધ : કેન્દ્ર
નવી દિલ્હી : સમલૈંગિક એટલે કે સજાતીય લગ્નોને કાયદેસર માન્યતા આપવાની માગ કરતી અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં થઇ છે. જોકે કેન્દ્ર સરકારે સજાતીય લગ્નોને કાયદેસર માન્યતા આપવાનો વિરોધ કર્યો છે. આ મામલાની સુનાવણી હવે સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચને સોપવામાં આવી છે. આ બેંચ આગામી ૧૮મી એપ્રીલે હવે સુનાવણી શરૂ કરશે.
આ પહેલા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે મહિલા અને પુરૂષ વચ્ચે થયેલા લગ્ન અને તેમના સંતાનો જ પરિવાર માનવામાં આવે છે. કોઇ લગ્ન કરવા કે સજાતીય સંબંધોમાં રહેવા માગે તો તેનો કોઇ વિરોધ નથી પણ તેને કાયદેસર માન્યતા ન આપી શકાય. સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ થઇ છે તેમાં સજાતીય લગ્નોને કાયદેસર માન્યતા આપીને તેના રજિસ્ટ્રેશનની માગણી કરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર વતી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પૌરાણીક પરંપરાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સજાતીય લગ્નોને માન્યતા આપવી તે ભારતીય અવધારણાની વિરુદ્ધમાં છે.
આ ઉપરાંત તેમણે ઇસ્લામ અને હિન્દુત્વનો સવાલ પણ ઉઠાવ્યો હતો. અને કહ્યું હતું કે હિન્દુ ધર્મમાં લગ્ન માત્ર એક કોન્ટ્રાક્ટ નથી મનાતો, ઇસ્લામમાં પણ નિકાહને કોન્ટ્રાક્ટ માત્ર નથી માનવામાં આવતો. બન્ને ધર્મોમાં લગ્ન કે નિકાહ માટે એક સ્ત્રી અને એક પુરૂષની જ વાત કરવામાં આવી છે.
કેન્દ્રએ કહ્યું કે જો સજાતીય લગ્નોને મંજૂરી આપીશું તો એ પણ સવાલ ઉઠશે કે બાળકોને દત્તક લેવાનું શું થશે? જેના પર સંસદે પણ ચર્ચા કરવી જોઇએ. જો કોઇ સજાતીય લગ્ન કરનારા બાળકોને દત્તક લે અને તે બાળકોનો ઉછેર કરે તો આવા બાળકોના મન પર શું અસર થશે. જેના પર જવાબ આપતા મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે કહ્યું હતું કે જરૂરી નથી કે સજાતીય લગ્નો કરનારા જે બાળકોને દત્તક લે તે બાળકો પણ ગે કે લેસ્બિયન જ બને. હવે આ મામલાની સુનાવણી બંધારણીય બેંચ કરશે જેમાં બન્ને પક્ષો તરફથી ધારદાર રજુઆતો કરવામાં આવશે.
લગ્ન સંસ્થા નીતિનો મામલો, બાંધછોડ ન કરી શકાય : રિજિજૂ
કેન્દ્ર સરકારે સજાતીય લગ્નોને કાયદેસર માન્યતા આપવાનો વિરોધ કર્યો હતો. જ્યારે કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજૂએ પણ કહ્યું હતું કે સજાતીય લગ્નો ભારતીય લગ્ન સંસ્થાની વિરુદ્ધમાં છે. જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે અમે નાગરિકોના વ્યક્તિગત જીવનમાં કોઇ પણ પ્રકારની દખલ દેવા નથી માગતા. રિજિજૂએ કહ્યું હતું કે સરકાર કોઇના વ્યક્તિગત જીવનમાં દખલ નથી દઇ રહી, પણ જ્યારે સવાલ લગ્ન સંસ્થાનો ઉભો થાય છે ત્યારે મામલો પોલિસીનો બની જાય છે. તેથી આ મામલે કોઇ પણ પ્રકારની ગેરસમજ ઉભી ન થવી જોઇએ, અમે દરેક વ્યક્તિની સ્વતંત્રતા અને તેમની વ્યક્તિગત બાબતોમાં દખલ નહીં આપીએ.