Updated: Mar 13th, 2023
– “90ના દાયકાથી ગુજરાત, રાજસ્થાન અને મ.પ્ર.માં રાજકારણ દ્વિ-ધુ્રવીય બની રહ્યું છે
જયપુર : રાજસ્થાન ભાજપના પ્રમુખ ડૉ. સતીશ પૂનિયાએ જણાવ્યું હતું કે રાજસ્થાનમાં ભાજપ કે કોંગ્રેસ સિવાય કોઈ ત્રીજા પક્ષ કે ત્રીજા ગઠબંધનને સ્થાન નથી.
કેજરીવાલ અને ભગવત માને તાજેતરમાં જ લીધેલી રાજસ્થાનની મુલાકાત વિષે પત્રકારોઓએ તેમને પૂછતા ડૉ. પૂનિયાએ જણાવ્યું હતું કે – દેશમાં ૭૦૦૦ થી વધુ રાજકીય પક્ષો નોંધાયેલા છે. દરેકને પોતાની ઈડીયોલોજી આગળ ધપાવવાનો અધિકાર પણ છે, પરંતુ કાશ્મીરથી કન્યાકુમારી સુધી તમે જોશો તો ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં તો ૯૦ના દાયકાથી રાજકારણ દ્વિ-ધુ્રવીય બની રહ્યું છે.
બીજાઓ આવે છે અને તેમનો એજન્ડા કહે છે પરંતુ તમે જોઈ શકશો કે તે રાજ્યોમાં તો ત્રીજા પક્ષને કે ત્રીજા ગઠબંધનને કોઈ સ્થાન જ નથી.
ગઈકાલે (રવિવારે) સાંજે પત્રકારોને આપેલી એક મુલાકાતમાં ડૉ. પૂનિયાએ વધુમાં કહ્યું હતું કે રાજસ્થાનમાં જનતા રાષ્ટ્રીય મહત્વના પ્રશ્નો ઉપર મત આપે છે. તેથી આમ આદમી પાર્ટીને માટે રાજસ્થાનમાં જગ્યા બનાવવી મુશ્કેલ છે. કેજરીવાલ, દિલ્હી અને પંજાબમાં પણ નિષ્ફળ ગયા છે. રાજસ્થાનમાં તો તેઓ નિષ્ફળ જશે જ. કારણ કે રાજસ્થાનની જનતા રાષ્ટ્રીય સ્તરે મહત્વના હોય તેવા મુદ્દા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને તે હંમેશા દેશ સાથે ઊભા રહેવા માટે તૈયાર છે.
જો કે આ મુલાકાતમાં ડૉ. પૂનિયાએ સચિન પાયલોટ અને તેમણે લીધેલા વલણની પણ ટીકા કરી હતી.