2013-17 અને 2018-22 વચ્ચે ભારતની શસ્ત્રોની ખરીદીમાં 11 ટકાનો ઘટાડો થયો
ભારતે શસ્ત્રોમાં આત્મનિર્ભર બનવાની દિશામાં મહત્ત્વનાં પગલાં
Updated: Mar 14th, 2023
સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટએ એક અહેવાલ રજૂ કર્યો જેમાં જણાવ્યું છે કે, ભારત વિશ્વનો સૌથી મોટો હથિયાર આયાત કરનાર દેશ છે. આ રિપોર્ટ અનુસાર, 2013-17 અને 2018-22 વચ્ચે ભારતની શસ્ત્રોની ખરીદીમાં 11 ટકાનો ઘટાડો થયો છે, તેમ છતાં ભારત શસ્ત્રોનો સૌથી મોટો ખરીદનાર દેશ છે. છેલ્લા પાંચ વર્ષમાં વિશ્વમાં જેટલા પણ હથિયારો ખરીદાયા છે તેમાંથી 11 ટકા એકલા ભારતે ખરીદ્યા છે. સાઉદી અરેબિયા 9.6 ટકા ખરીદી સાથે બીજા નંબરે જોવા મળે છે. જ બાદ પછી કતાર , ઓસ્ટ્રેલિયા અને ચીન આ રીતે ક્રમાંક જોવા મળે છે.
ભારતે શસ્ત્રોમાં આત્મનિર્ભર બનવાની દિશામાં મહત્ત્વનાં પગલાં લીધાં
અહેવાલ અનુસાર, ભારતની હથિયારોની ખરીદીમાં ઘટાડો થવાનું કારણ મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ છે, જેના હેઠળ ભારત સરકારનો ભાર હથિયારોમાં આત્મનિર્ભર બનવા પર છે. છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં ભારતે શસ્ત્રોમાં આત્મનિર્ભર બનવાની દિશામાં મહત્ત્વનાં પગલાં લીધાં છે. તેમાં ભારતમાં ઉત્પાદિત શસ્ત્રો માટે અલગ બજેટની જોગવાઈ, સંરક્ષણ ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણની મર્યાદા 49 ટકાથી વધારીને 74 ટકા કરવી અને અનેક હથિયારોની ખરીદી પર પ્રતિબંધનો સમાવેશ થાય છે.
શસ્ત્રોના ઉત્પાદન પર છેલ્લા ત્રણ વર્ષમાં સતત વધારો
ભારતમાં શસ્ત્રોના ઉત્પાદન પર ભાર મુકવામાં આવ્યો છે તેની અસર એ છે કે આ બજેટમાં ભારતીય શસ્ત્રો ખરીદવા માટે એક લાખ કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. બજેટમાં શસ્ત્રોના ઉત્પાદન પર ભાર મુકવામાં છેલ્લા ત્રણ વર્ષમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્રણ વર્ષ પહેલા ભારતમાં ઉત્પાદિત હથિયારો અને અન્ય સામાનની ખરીદી માટે બજેટમાં 51 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ હતી, જે આગામી વર્ષે વધારીને 70 હજાર કરોડ રૂપિયા અને પછી 84 હજાર કરોડ રૂપિયા કરવામાં આવી છે. હવે તે વધીને એક લાખ કરોડ રૂપિયા કરવામાં આવી છે.