Updated: Mar 14th, 2023
– સમિતિના ઉપશાસનાધિકારીનો ફતવો, શાળાના કાર્યક્રમોમાં ચુંટાયેલા પ્રતિનિધિઓ ઉપરાંત કાર્યકરોને ફરજ્યાત આમંત્રણ આપો
– શાળા કક્ષાએથી ફરજીયાત આમંત્રણ પત્રિકા આપવી અને ટેલીફોનિક આમંત્રણ આપવાનું રહેશે, અને કાર્યક્રમમાં પ્રોટોકોલ જાળવવાનો આદેશ આપ્યો : વિપક્ષ કે કોંગ્રેસ ચુપ
સુરત,તા.14 માર્ચ 2023,મંગળવાર
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપશાસનાધિકારીએ શાળા કક્ષાએ થતા તમામ કાર્યક્રમોમાં ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે સાથે કાર્યકરોને ફરજ્યાત આમંત્રણ પત્રિકા આપીને પ્રોટોકોલ જાળવવા માટે લેખિતમાં આદેશ જાહેર કરતા વિવાદ ઉભો થયો છે. આવા પ્રકારના આદેશથી શાળાના આર્ચાયોમાં નારાજગી જોવા મળે છે પરંતુ પાલિકાના વિપક્ષ, શિક્ષણ સમિતિના વિપક્ષ કે કોંગ્રેસ દ્વારા ઉપશાસનાધિકારીના આવા ફતવા સામે કોઈ પ્રકારનો વિરોધ ન કરતાં શિક્ષકોએ નીચી મુંડીએ આ આદેશનું પાલન કરવું જ પડશે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વહિવટમાં રાજકીય દખલગીરીના કારણે અનેક વિવાદ થઈ રહ્યાં છે. બુટ મોજા અને ગણવેશ માટે અગાઉ પેનલ્ટી થઈ છે તેમજ કંપનીની કામગીરી સારી હોવાનું કહીને ટેન્ડર વિના બારોબાર ઓર્ડર આપી દેવાના વિવાદ સમે તે પહેલા જ ઉપશાસનાધિકારીના એક આદેશના કારણે બીજો વિવાદ ઉભો થયો છે. હાલમાં જ નિયુક્ત થયેલા ઉપશાસનાધિકારીએ શાળા કક્ષાએ થતા કાર્યક્રમોમાં આમંત્રણ માટે એક પરિપત્ર જાહેર કર્યો છે તેમાં ચુંટાયેલા પ્રતિનિધિ સાથે કાર્યકરોને પણ ફરજ્યાત આમત્રણ આપવાનો ઉલ્લેખ કરાતા હોબાળો મચી ગયો છે.
ઉપશાસનાધિકારીએ તમામ શાળાના આચાર્યને ઉલ્લેખી એક પરિપત્ર જાહેર કર્યો છે જેમાં શાળાનાં સાંસ્કૃતિક, અભ્યાસિક, સહ અભ્યાસિક કાર્યક્રમમાં પદાધિકારીઓને આમંત્રણ આપવા ઉલ્લેખ કરાયો છે. આ પરિપત્રમાં લખાયું છે કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં ઉજવવામાં આવતા સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે અભ્યાસિક, સહઅભ્યાસિક કાર્યક્રમોમાં અત્રેની કચેરીનાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, સભ્ય તેમજ જે-તે ઝોનનાં સભ્ય અને મ્યુનિ. સભ્ય, સ્થાનિક પદાધિકારી, કોર્પોરેટર સાથે કાર્યકરોને શાળા કક્ષાએથી ફરજીયાત આમંત્રણ પત્રિકા આપવી અને ટેલીફોનિક આમંત્રણ આપવાનું રહેશે અને કાર્યક્રમમાં પ્રોટોકોલ જાળવવાનો રહેશે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં કોઈ પણ કાર્યક્રમ હોય તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને અચૂક આમંત્રણ આપવામાં આવે છે પરંતુ આ વખતે ઉપશાસનાધિકારીએ કાર્યકરોને પણ ફરજિયાત આમંત્રણ આપવા માટેનો આદેશ કર્યો છે તેથી શાળાના આચાર્યોમાં કચવાટ ઉભો થયો છે. આ પરિપત્ર જાહેર થયો અને દરેક શાળાઓમાં પહોંચી ગયો છે પરંતુ આ મુદ્દે પાલિકા કે શિક્ષણ સમિતિના વિપક્ષે હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નથી કે કોંગ્રેસના કોઈ પણ નેતાએ આ મુદ્દે વિરોધ કર્યો ન હોવાથી હવે શિક્ષણ સમિતિના કાર્યક્રમમાં કાર્યકરો રોફ ભેર હાજર રહી શકશે.