Updated: Mar 14th, 2023
વડોદરા,તા.14 માર્ચ 2023,મંગળવાર
વડોદરા કોર્પોરેશનમાં કામગીરી તથા ખર્ચના જરૂરી રેકોર્ડ સંદર્ભે સવાલો ઊભા થયા છે. ત્યારે આ અંગેની માહિતી કોર્પોરેશનને મોડે મોડે ધ્યાને આવતા હવે આ બાબતે જરૂરી રેકોર્ડ રાખવા વિચારણા હાથ ધરી છે
વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં વિવિધ તહેવારો, ધાર્મિક સામાજિક પ્રસંગો અને સેવાકીય પ્રવૃત્તિ દરમિયાન વિના મૂલ્ય મેન પાવર તથા મશીનરીની સેવા પૂરી પાડવામાં આવે છે. આ પ્રકારની કામગીરી તથા ખર્ચનો ચોક્કસ રેકોર્ડ કોર્પોરેશન પાસે મળી આવ્યો નથી. માત્ર મૌખિક અને કાચા ચિઠ્ઠા ઉપર આ પ્રકારના આયોજન થતા હોય છે. જેના કારણે ઘણી વખત ગેરરીતિની શંકા પણ ઉપજે છે. આ પ્રકારના આડેધડ ખર્ચ અને કામગીરીના કારણે કોર્પોરેશનને આર્થિક નુકસાન પણ પહોંચી રહ્યું છે. ત્યારે સેવાકીય પ્રવૃત્તિથી હાથ ધરાતી કામગીરી અને ખર્ચની વિગતોનો રેકોર્ડ રાખવો જરૂરી બન્યું છે. આ અંગે તંત્રને મોડે મોડે હકીકત ધ્યાને આવતા હવે આ બાબતે જરૂરી રેકોર્ડ રાખવાની વિચારણા હાથ ધરી છે.
આ અંગે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે, વડોદરા કોર્પોરેશન ધાર્મિક સામાજિક કાર્યક્રમમાં સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યું છે અને વિવિધ સંસ્થાઓને તેનાથી લાભ પણ થાય છે પરંતુ કોર્પોરેશન દ્વારા વિનામૂલ્યે આપવામાં આવતી વિવિધ પ્રાથમિક સુવિધા અંગે જરૂરી ખર્ચ પણ થાય છે પરંતુ તેનો કોઈ હિસાબ કોર્પોરેશનમાં રાખવામાં આવતો નથી તે રાખવાની જરૂર છે.