પાકિસ્તાનનું લાહોર દુનિયામાં સૌથી વધુ પ્રદૂષિત શહેર જાહેર થયું છે.
સ્વીત્ઝર્લેન્ડના ફર્મ વર્લ્ડ એર કવોલિટી દ્વારા ૧૩૧ દેશોનો ડેટા જાહેર કરાયો
Updated: Mar 14th, 2023
નવી દિલ્હી,૧૪ માર્ચ,૨૦૨૩,મંગળવાર
પ્રદૂષણ અંગેના તાજેતરના વૈશ્વિક અપડેટમાં દુનિયાના ૧૦૦ માંથી ભારતના ૬૫ શહેરોનો સમાવેશ થાય છે. દુનિયાના ૧૦ સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં ભારતના ૬ શહેરો છે. જેમાં ભિવંડી, દરભંગા, અસોપુર, પટણા અને નવી દિલ્હીનો સમાવેશ થાય છે. પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ વાયુ પ્રદૂષણ જાહેર કરવામાં આવ્યું છે. લાહોરમાં પીએમ૨.૫નો આંક ૯૭.૪ પીએમ આંકવામાં આવ્યો છે. ચીનના ઝિજિંયાગ પ્રાંતનું હોટન ૯૪.૩ સાથે બીજા જયારે ભારતનું ભીવંડી ૯૨.૭ સાથે ત્રીજા ક્રમે છે. દિલ્હીનો પીએમ ૨.૫ આંકર ૯૨.૬ આંકવામાં આવ્યો છે. દુનિયાના ૨૦ પ્રદૂષિત શહેરોમાં ૧૯ એશિયા ખંડમાં છે તેમાંથી ભારતના ૧૪ શહેરો છે.
વર્લ્ડ એર કવોલિટીના નવા રિપોર્ટ મુજબ દુનિયાના પ્રદૂષિત શહેરોમાં ભારતનું ૮ મું સ્થાન છે. ભારત ૨૦૨૧માં ૫ મું સ્થાન ધરાવતો હતો તેમાં મામૂલી સુધારો થતા હાલમાં ૮ મું સ્થાન ધરાવે છે. રિપોર્ટ મુજબ વાયુ પ્રદૂષણથી ભારતને ૧૫૦બિલિયન ડોલરનું નુકસાનનું અનુમાન છે. ભારતમાં વાયુ પ્રદૂષણનું સૌથી મોટું માધ્યમ વાહન વ્યહવાર સેકટર છે. જે કુલ પ્રદૂષણના ૨૦ થી ૩૫ ટકા પ્રદૂષણ ધરાવે છે. પરિવહન ઉપરાંત ઉધોગો અને કોલસા આધારિત પાવર પ્લાન્ટ જવાબદાર છે.
વૈજ્ઞાાનિકો અને આરોગ્ય નિષ્ણાતોની ટીમ દુનિયામાં વધતા જતા પ્રદૂષણ પર ચાપતી નજર રાખી રહી છે. ૧૩૧ દેશોના ૩૦ હજારથી વધુ ગ્રાઉન્ડ રિપોર્ટના આધારે આ ડેટા તૈયાર કરવામાં આવ્યો છે. સૌથી વધુ પ્રદૂષણવાળા દેશોમાં પ્રથમ ક્રમે આફ્રિકાનો ચાડ દેશ છે. ત્યાર પછી ઇરાક, પાકિસ્તાન, બાંગ્લાદેશ, બુર્કિનાફાસો, કુવૈત, ભારત, ઇજિપ્ત અને તાજિકિસ્તાનનો સમાવેશ થાય છે. ઓછું પ્રદૂષણ ધરાવતા દેશોમાં ઓસ્ટ્રેલિયા, એસ્ટોનિયા, ફિનલેન્ડ, ગ્રેનાડા, આઇસલેંડ અને ન્યૂઝીલેંડનો સમાવેશ થતો હતો. જો કે આ દેશોનું પ્રદૂષણ પણ વિશ્વ આરોગ્ય સંસ્થાના સુરક્ષા માપદંડ કરતા વધારે રહયું છે.