આરોપી મોકો જોઈ આજુબાજુના ઘરોમાં કોઈ બહાર ગયુ હોય તેનું ધ્યાન રાખી તેના માણસોને બોલાવી ચોરી કરતો
Updated: Mar 14th, 2023
અમદાવાદ, તા. 14 માર્ચ 2023, મંગળવાર
અમદાવાદ શહેરના આંબલીગામના રણછોડપુરા ખાતે આવેલ હાઉસ ઓફ આદી નામના બિલ્ડીંગમાં ગત તા. 26 ફેબ્રુઆરી 2023ના રોજ રાત્રીના સમયે કેટલાક બુકાનીધારી ટોળકીએ એક કર્મચારીને માથાના ભાગે લોખંડના રોડના ફટકા મારી તેમજ બીજા કર્મચારીને ઓરડીમાં બંધ કરીને લૂંટારુ ગેંગ દ્વારા ઘરની તિજોરીમાથી રોકડ તેમજ એલઈડી ટીવી, મોટર સાઈકલ, મોબાઈલ સાથે કુલ 1 લાખ પાંચસો રુપિયાની લૂંટની ફરિયાદ સરખેજ પોલીસ સ્ટેશને નોંધાઈ હતી.
આરોપી તેના માણસોને બોલાવી ચોરી કરાવતો
પોલીસને બાતમી મળી હતી કે બંસીલાલ મીણા નામનો ઈસમ અમદાવાદના જુદા-જુદા વિસ્તારમાં ઘરઘાટી તરીકે કામ કરે છે અને મોકો જોઈ આજુબાજુના ઘરોમાં કોઈ બહાર ગયુ હોય તેનું ધ્યાન રાખી તેના માણસોને બોલાવી ચોરી કરતો તેમજ માહિતી આપી ચોરી કરાવતો હતો. તેથી સરખેજ પોલીસે બંસીલાલ મીણાને અમદાવાદથી ઝડપી પાડ્યો હતો. પોલીસે બંસીલાલ મીણાની પુછપરછ કરતાં ગુનાની કબુલાત કરી હતી અને લૂંટ કરેલ રોકડ રકમ, એલઈડી ટીવી, મોટર સાઈકલ, મોબાઈલ સાથે કુલ રુપિયા 93 હજારનો મુદ્દામાલ રીકવર કર્યો હતો. અને તેણે તેના સાંગરિતોના નામ પણ આપ્યા હતા.
આરોપીની પુછપરછમાં અન્ચ બે ગુનાનો ભેદ ઉકેલાયો
આરોપી બંસીલાલે પોલીસને આપેલા નામની વાત કરીએ તોજે રાજસ્થાનના ડુંગરપુર રહેતા રાકેશ નારાયણ મીણા, લલીત ઉર્ફે લલ્લુ મીણા, જીતુ ઘોતીયા મીણાને બોલાવી લૂંટ કરતો હતો. આ ઉપરાંત પોલીસની પુછપરછ દરમ્યાન આરોપીએ અન્ચ બે ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. આ ઉપરાંત આરોપી ઘરઘાટી તરીકે સેટેલાઈટ વિસ્તારમાં આવેલ શારદા ફાર્મ ખાતે કામ કરતો હતો અને ચોરીનો સામાન તે અહી છુપાવતો હોવાની પણ કબુલાત કરી હતી. હાલમાં પોલીસે બંસીલાલ મેગાભાઈ મીણાની અટકાયત કરી અન્ય સાગરિતોને પકડવા તજવીજ હાથ ધરી છે.