Updated: Mar 14th, 2023
– જાન્યુઆરીમાં પણ નેશનલ ગ્રીડમાં ફ્રીક્વન્સીમાં ચઢાવ ઉતાર આવતા કરાચી સહિત અનેક શહેરોમાં અંધારપટ
કરાચી : પાકિસ્તાનમાં ફરી વીજ-સંકટ ઉભું થયેલ છે : ટ્રાન્સમિશન લાઈન ઠપ્પ થઈ ગઈ છે. પરિણામે કરાચી સહિત અનેક શહેરોમાં “અંધારપટ’ છવાઈ ગયો છે. પાકિસ્તાનની ચેનલ એઆરવાય ન્યૂઝે જણાવ્યું હતું કે કરાચીના કેટલાએ વિસ્તારોમાં ભારે-વીજ-કાપ જોવા મળ્યા છે. ટેકનિકલ ખરાબીને લીધે હાઈ-પેન્શન (એચ.ટી.) ટ્રાન્સમિશન કેબલ ટ્રિપ થઈ ગયા છે.
એઆરવાય ન્યુઝે તેના રીપોર્ટમાં દાવો કર્યો છે કે એચ.ટી. ટ્રાન્સમિશન કેબલ ટ્રિપ થઈ જતાં કરાચીનો ૪૦ ટકા વિસ્તાર તો સંપૂર્ણ રીતે અંધકારમાં ડૂબી ગયો છે. કેટલાએ ગ્રીડ સ્ટેશનોમાં ટ્રિમિંગ થઈ ગયુ છે.
કરાચીના ચોરંગી, સદર, લાઈન્સ, મેરિયા, ડીફેન્સ હાઉસિંગ ઓથોરિટી, (ડીએચએ), પંજાબ-કોલોની, ગુલિસ્તાં-એ-જૌહર અને કોટંગીમાં વીજળી ડૂલ થઈ ગઈ છે. જોકે વીજળી કંપની ‘કે-ઈલેકટ્રિક’ દ્વારા કોઈ નિવેદન પ્રસિદ્ધ કરાયું નથી.
આ પૂર્વે જાન્યુઆરીમાં પણ ”નેશનલ-ગ્રીડ”માં ફીક્વન્સીમાં ચઢાવ-ઉતારને લીધે પાકિસ્તાનમાં ગંભીર વીજ-સંકટ ઊભું થયું હતું. તેથી કરાચી અંધકારમાં ડૂબી ગયું હતું.
કે.ઈલેક્ટ્રિકના પ્રવકતા ઈમરાન રાણાનાં જણાવ્યા પ્રમાણે નેશનલ-ગ્રીડમાં જ ફીકવન્સીમાં થતા ચઢાવ-ઉતાર ઘણી ગંભીર બાબત છે. તેથી કરાચી સહિત ઘણા શહેરોમાં વીજળી આવી ગઈ છે. જોકે કે-ઈલેક્ટ્રિકનું નેટવર્ક સુરક્ષિત અને સંકલિત છે. તેમ પણ તેમણે કહ્યું હતું. કંપનીની ટીમો સતત કાર્યરત રહી છે અને વીજળી ફરી વ્યસ્થિત રીતે મળે તે માટે પ્રયાસો થઈ રહ્યા છે.