Updated: Mar 14th, 2023
– આરોપી મુન્ના કુમારની ચારબાગ રેલવે સ્ટેશનથી ધરપકડ કરવામાં આવી હતી અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો
લખનૌ, તા. 14 માર્ચ 2023, મંગળવાર
ફ્લાઈટ બાદ ભારતીય રેલવેમાં મુસાફરો સાથે અભદ્ર વર્તનની ઘટના પર રેલવેએ કડક કાર્યવાહી કરી છે. લખનૌમાં અકાલ તખ્ત એક્સપ્રેસમાં રવિવારે મોડી રાત્રે દારૂના નશામાં મહિલા યાત્રી પર પેશાબ કરવા બદલ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કડકાઈ બતાવતા આરોપી TTEને નોકરીમાંથી હાંકી કાઢ્યો છે.
આરોપી TTE મુન્ના કુમારની ઘટના બાદ ધરપકડ કરવામાં આવી હતી અને તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ IPCની કલમ 354-A, 352 અને 509 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, ઘટના સમયે કુમાર ડ્યુટી પર ન હતો.
આ ઘટનાના સમાચાર મીડિયામાં પ્રસારિત થયા બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સખત નારાજગી વ્યક્ત કરી હતી અને ટ્વીટ કરીને માહિતી આપી કે, આરોપી TTEને તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવ્યો છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, આવી ઘટનાને સહન કરી શકાતી નથી અને ઝીરો ટોલરન્સ દર્શાવતા આરોપી TTEને નોકરીમાંથી કાઢી મુક્યો છે.
આ ઘટના અંગે જીઆરપી ઓફિસર (લખનૌ) સંજીવ કુમાર સિન્હાએ કહ્યું કે તેમને તેમના હેલ્પલાઈન નંબર દ્વારા જાણ કરવામાં આવી હતી કે, એક મુસાફરે મહિલા પર પેશાબ કર્યો હતો. ત્યારબાદ એક ટીમને ચારબાગ રેલવે સ્ટેશન પર મોકલવામાં આવી હતી. આ પછી મુન્ના કુમારની ચારબાગ રેલવે સ્ટેશનથી ધરપકડ કરવામાં આવી હતી અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.
રાજકીય રેલવે પોલીસ લખનૌના ઈન્સ્પેક્ટર નવરત્ન ગૌતમે મંગળવારે જણાવ્યું કે, રાજેશ નામના યાત્રીએ ફરિયાદ કરી હતી કે, તે અને તેમની પત્ની અકાલ તખ્ત એક્સપ્રેસના કોચ A 1 ની શીટ નંબર 31 અને 32 પર બિહારના કિઉલથી અમૃતસર જઈ રહ્યા હતા. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે 13 માર્ચની મોડી રાત્રે લગભગ 12:30 વાગ્યે મુન્ના કુમાર નામના વ્યક્તિએ તેની પત્ની પર પેશાબ કર્યો હતો.