– વૈશ્વિક ડોલર ઇન્ડેક્સ ફરી વધી ૧૦૪ની સપાટી કુદાવી ગયો
– યુરોએ પણ રૂા. ૮૮ની સપાટી વટાવી : શેર બજારની પીછેહઠ વચ્ચે કરન્સી બજારમાં રૂપિયા પર દબાણ વધ્યું
Updated: Mar 14th, 2023
મુંબઈ : મુંબઇ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં તેજી આગળ વધી હતી. શેરબજારમાં ઘટાડાના પવન વચ્ચે કરન્સી બજારમાં આજે રૂપિયાના ભાવ પર દબાણ વધ્યાની ચર્ચા બજારમાં સંભળાઇ હતી. રૂપિયા સામે ડોલરના ભાવ રૂા. ૮૨.૧૩ વાળા આજે સવારે રૂા. ૮૨.૨૭ ખુલી નીચામાં ભાવ રૂા. ૮૨.૨૬ થયા પછી ઉંચામાં ભાવ રૂા. ૮૨.૪૯ થઇ રૂા. ૮૨.૪૮ રહ્યા હતા.
રૂપિયો આજે વધુ ૩૫ પૈસા તૂટયો હતો. વિશ્વ બજારમાં વિવિધ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઇન્ડેક્સ આજે આંચકા પચાવી ફરી વધી આવ્યાના સમાચાર હતા. ડોલરનો ગ્લોબલ ઇન્ડેક્સ નીચામાં આજે ૧૦૩.૬૭ રહ્યા પછી ઉંચામાં ૧૦૪ પાર કરી ૧૦૪.૦૫ થઇ ૧૦૩.૮૫ રહ્યાના નિર્દેશો હતા. અમેરિકામાં બહાર પડનારા ફુગાવાના આંકડાઓ પર વિશ્વ બજારના ખેલાડીઓની નજર રહી હતી.
દરમિયાન, મુંબઇ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ઉછળી રૂા. ૧૦૦ની સપાટી પાર કરી ગયા હતા. રૂપિયા સામે ચીનની કરન્સી આજે ૦.૦૮ ટકા નરમ રહી હતી. જાપાનની કરન્સી પણ રૂપિયા સામે આજે ૦.૬૧ ટકા નરમ રહી હતી. બ્રિટીશ પાઉન્ડના ભાવ ૯૯.૧૮તી ૯૯.૧૯ વાળા આજે ઊંચામાં રૂા. ૧૦૦.૩૩થી ૧૦૦.૩૪ થઇ રૂા. ૧૦૦.૨૭થી ૧૦૦.૨૮ રહ્યા હતા.
કરન્સી યુરોના ભાવ રૂપિયા સામે રૂા. ૮૭.૬૫થી ૮૭.૬૬ વાળા આજે વધી રૂા. ૮૮.૩૮થી ૮૮.૩૯ થઇ રૂા. ૮૮.૩૭ રહ્યા હતા. એકંદરે કરન્સી બજારમાં આજે ડોલર, પાઉન્ડ તથા યુરો સામે રૂપિયો ગબડયો જોવા મળ્યો હતો. જ્યારે ચીન તથા જાપાનની કરન્સીઓ સામે રૂપિયો ઉંચો થતો જોવા મળ્યો હતો.