Updated: Mar 14th, 2023
– નવા નાણાકીય વર્ષમાં લોનના હપ્તાનું ભારણ વધશે
– ડિપોઝિટ વૃદ્ધિ ઘટી અને ધિરાણ વધતા લિકવિડિટીમાં ઘટાડો થયો
અમદાવાદ : ભારતમાં જથ્થાબંધ મોંઘવારીનો દર બે વર્ષથી વધુ સમયની નીચી સપાટીએ પહોંચ્યો છે એ સમયે અર્થતંત્રમાં નાણાકીય ભીડ શરુ થશે એવી ચિંતામાં બેંકો નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં લોન ઉપરના દર (ધિરાણ ઉપર વસુલવામાં આવતા વ્યાજ)નો દર ૧.૫૦ ટકા વધારે એવી શક્યતા છે. આ શક્યતાના આંકલન વચ્ચે જ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના મૂળ ધિરાણના દરમાં ૦.૭૦ ટકાના તોતિંગ વધારાની આજે જાહેરાત કરી છે. ભારતનું અર્થતંત્ર વૈશ્વિક વિષમ પરિસ્થિતિ અને દેશમાં ઘટી રહેલી માંગના કારણે ધીમું પડી રહ્યું છે ત્યારે લોન ઉપર વ્યાજના દર વધશે તો તેની અસર ઉદ્યોગો અને ગ્રાહકો ઉપર ચોક્કસ જોવા મળી શકે છે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજનો દર વધારતા રૂ.૧ લાખની ૧૦ વર્ષની મુદ્દતની લોન ઉપર દર મહીને હપ્તામાં ગ્રાહકો ઉપર રૂ.૩૯નો (વર્ષે રૂ.૪૬૮) અને ૨૦ વર્ષની મુદ્દતની લોન માટે દર મહીને રૂ.૪૬નો (વર્ષે રૂ.૫૫૨)નો વધારાનો બોજ આવી પડશે.
જો અંદાજ અનુસાર વ્યાજના દર ૧.૫૦ ટકા જેટલા વધી જાય તો ૧૦ વર્ષની મુદ્દત માટે મહીને રૂ.૮૩ અને વર્ષે રૂ.૯૯૬નો બોજ આવી પડશે. જો લોનની મુદ્દત ૨૦ વર્ષની હોય તો વ્યાજનું ભારણ દર મહીને રૂ.૯૯ અને વર્ષે રૂ.૧૧૮૮ વધી જશે.
રિઝર્વ બેંકના આંકડા અનુસાર દેશમાં અત્યારે ઉદ્યોગો કરતા વ્યક્તિગત લોનનું પ્રમાણ વધારે છે. ડિસેમ્બર ૨૦૨૨ના અંતે દેશમાં ઉદ્યોગોને કુલ ધિરાણ રૂ ૩૦.૨૮ લાખ કરોડનું છે જ્યારે વ્યક્તિગત ધિરાણ રૂ.૩૨.૭૫ લાખ કરોડનું છે. આ સ્થિતિમાં લોનના ઊંચા વ્યાજની અસર વ્યક્તિગત ગ્રાહકો ઉપર વધારે પડશે.