Updated: Mar 14th, 2023
સુરત, તા. 14 માર્ચ 2023 મંગળવાર
લાજપોર મધ્યસ્થ જેલમાં કેદી તરીકે જેલવાસ ભોગવી રહેલા ૨૭ કેદીઓ આ વર્ષે ધોરણ-૧૦ અને ૧૨ ની પરીક્ષા આપી રહ્યા છે ત્યારે ધોરણ ૧૦ ની પરીક્ષા આપનાર સુભાષ ગો-સ્વામી પોલીસ બનવા માટે જ પરીક્ષા આપી રહ્યો છે. મહિનાઓ પહેલાથી જ તેણે તૈયારીઓ શરૂ કરી દીધી હતી.
જેલના કેદીઓ આ વર્ષે ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા આપી પોતાનું ભવિષ્ય ઉ્જવળ બનાવવા માટે તત્પર બન્યા છે. જેલમાં રહ્યા બાદ તેમના દ્વારા કરવામાં આવેલ કૃત્ય સમાજ માટે તથા પરીવાર માટે યોગ્ય નથી તે વાતની અનુભૂતિ થતા તેઓ સારું ભવિષ્ય બનાવવા પરીક્ષા આપી રહ્યા છે. ત્યારે જેલના કેદીઓ પણ સામાન્ય વ્યક્તિની જેમ જ અલગ અલગ પોસ્ટ માટે પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા આપનાર સુભાષ ગોસ્વામીએ કહ્યું કે, ધોરણ-૧૦ ની પરીક્ષા માટે છેલ્લા સાત મહિનાથી તૈયારીઓ કરી રહ્યો છું અને પોલીસ બનવા માંગુ છું. ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે ભણી શક્યો નહોતો. જો કે હાલ જેલમાં શૈક્ષણિક તાલીમ આપવામાં આવી રહી છે તે ભવિષ્ય માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે.