Updated: Mar 14th, 2023
– 66 મહિના અગાઉ રકમની જોગવાઇ થઇ ચુકી હોવા છતા
– સરકારની જળસંચયની મોટી વાતો માત્ર હવામાં, પ્રોજેક્ટની ફાઇલો પર ધુળ જામી
ઉમરાળા : ઉમરાળા તાલુકાના રતનપુર ગામે કાળુભાર નદી પર ચેકડેમ બનાવવા માટે સિંચાઈ ખાતા દ્વારા લગભગ ૬૬ મહિના અગાઉ આયોજન થયું હતું અને એ માટે માતબર રકમની જોગવાઈ પણ કરવામાં આવી હતી.આ વાતને સાડા પાંચ વર્ષ વીતી ગયાં,પરંતુ ચેકડેમ હજુ સુધી કચેરીની ફાઈલમાંથી સ્થળ પર ઉતર્યો નથી…! અને આ વર્ષે પાંચમાં ઉનાળો આવી પહોંચ્યો છે. ત્યારે જળસંચય યોજનાની પણ માત્ર વાતો રહી છે.
સાડા પાંચ વર્ષ અગાઉ આ વિસ્તારના તત્કાલિન ધારાસભ્ય અને મંત્રીએ પોતાના મત વિસ્તારના રતનપુર ગામે કાળુભાર નદી પર ચેકડેમ બાંધીને ત્યાં ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવી કૂવા દ્વારા સિંચાઈના લાભથી ખેડૂતોને લાભાન્વિ કરવા માટે ભલામણ કરતો પત્ર સિંચાઈ વિભાગને લખ્યો હતો.તેના અનુસંધાને કાર્યપાલક ઈજનેર,સિંચાઈ યોજના વિભાગ,ભાવનગર દ્વારા ચેકડેમ માટે પ્રાથમિક મંજૂરી અને રકમની જોગવાઈ કરતો પત્ર સંબંધિત કચેરીને પાઠવ્યો હતો અને તેના અનુસંધાને જે પ્રોજેક્ટ તૈયાર થયો તેમાં રતનપુર ખાતે કાળુભાર નદી પર સૂચિત સ્થળે ૧૨૦ મીટર લંબાઈનો અને ૧.૫૦ મીટર ઊંચો ચેકડેમ બાંધવાની જોગવાઈ કરવામાં આવી હતી.
કાર્યપાલક ઈજનેર,સિંચાઈ વિભાગ,ભાવનગરના ઉપરોક્ત પત્ર પછી સરકારમાં દરખાસ્ત કરીને પ્રોજેક્ટ હાથ ધરવા મંજૂરી મેળવવાની જ બાકી હતી અને તે કામ જે તે વખતે જ થયું હોત તો પાંચ વર્ષ પહેલાં ચેકડેમ તૈયાર થઈ ગયો હોત અને ખેડૂતોને એ સમયથી સિંચાઈનો લાભ મળતો થયો હોત,પરંતુ તુમારશાહી માનસિકતા ધરાવતા તંત્રમાં ચેકડેમની દરખાસ્તની ફાઈલ પાંચ વરસ સુધી પૂર્તતાના નામે ના.કા.ઈજનેર,કાળુભાર સિંચાઈ પેટા વિભાગ,ઉમરાળા અને કા.પા.ઈજનેર,સિંચાઈ વિભાગ,ભાવનગરની કચેરીઓ વચ્ચે ધઅપ-ડાઉનધ કરતી રહી આથી પાંચ વર્ષ અગાઉ સુચિત ચેકડેમ માટે જે રકમની જોગવાઈ કરવામાં આવેલ એટલી રકમમાં ચેકડેમ બાંધવાનું લગભગ અશક્ય બનવાની નોબત આવી. ખેડૂતો જળસ્તર ઊંચું આવવાના તથા સિંચાઈ સુવિધા દ્વારા કૃષિના વિકાસના લાભથી વંચિત રહ્યા.પૂર્તતાના નામે બે કચેરીઓ વચ્ચે ફાઈલ અટવાતી રહ્યા પછી શું થયું, ફાઈલ ગાંધીનગર પહોંચી કે નહીં તે અંગે ચેકડેમની રાહ જોતા ખેડૂતોને કોઈ માહિતી નથી.