Updated: Mar 14th, 2023
વરાછાની જેમ જ અઠવા ઝોનમાં ગૌરવ પથ પર પે એન્ડ પાર્કમાં ઉભા રહેતાં ખાણી પીણીના વાહનો દુર કરવા માગણી
સુરત, તા. 14 માર્ચ 2023 મંગળવાર
સુરત પાલિકાના પે એન્ડ પાર્કના સંચાલકો દ્વારા ચલાવવામા આવતી ગેરરીતિની ફરિયાદ બાદ વરાછા ઝોને કિરણ ચોકમાં પે એન્ડ પાર્કમાં ઉભા રાખવામાં આવતાં ખાણી પાણીના વાહનોને દુર કરવાની કામગીરી કરી હતી. પે એન્ડ પાર્ક માંથી ધંધાદારી દબાણ દુર થતાં હવે લોકો પે એન્ડ પાર્કમાં વાહનો પાર્ક કરી શકે છે. જો વરાછા ઝોન પે એન્ડ પાર્કમાં ધી ધંધાદારી દબાણ દુર કરી શકતું હોય તો અઠવા ઝોન પે એન્ડ પાર્ક માંથી ખાણી પીણીની વાહન કેમ દુર કરી ન શકે આ પ્રશ્ન સાથે અઠવા ઝોનમાં ગૌરવ પથ ઉપરના પે એન્ડ પાર્કમાં ઉભા રખાતા વાહનોને દુર કરવા માટેની માગણી થઈ રહી છે.
સુરત પાલિકાએ આવકના નવા સ્ત્રોત ઉભા કરવા માટે અનેક જગ્યાએ પે એન્ડ પાર્ક અને સ્ટ્રીટ પાર્કિંગના કોન્ટ્રાક્ટ આપ્યા છે. પાલિકાએ ચોક્કસ નિયમો બનાવી પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટ આપ્યા છે તેમ છતાં પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર્સ પાલિકા ના નિયમો નેવે મુકીને પે એન્ડ પાર્કમાં ગેરરીતિ કરી રહ્યાં છે. પાલિકાએ પે એન્ડ પાર્કમાં ફરજ્યાત ઈલેક્ટ્રીક રસીદ આપવાનો નિયમ કર્યો હોવા છતાં અઠવા ઝોનમાં અનેક જગ્યાએ હાથથી બનાવેલી સ્લીપ આપીને વાહન ચાલકો પાસે પૈસાની ઉઘરાણી થઈ રહી છે.
કોન્ટ્રાક્ટરોની આવી દાદાગીરી ઓછી હોય તેમ વરાછા અને અઠવા ઝોનમાં અનેક પે એન્ડ પાર્કમાં કોન્ટ્રાક્ટરો ખાણી પીણીની લારીઓ ઉભી રાખીને તેમની પાસે તગડું ભાંડુ વસુલ કરી રહ્યાં છે. પાલિકાએ જાહેર કરેલા પે એન્ડ પાર્કમાં ધંધાદારી લારીઓનો કબજો હોવાથી લોકો જાહેર રસ્તા પર વાહનો પાર્ક કરતા ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. વરાછા ઝોનના કિરણ ચોક પાસે પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર દ્વારા પે એન્ડ પાર્કમાં આઈસ ડીશ ની લારીઓ ઉભી કરાવી દીધી હતી આ અંગેના અહેવાલ બાદ વરાછા ઝોને તાત્કાલિક પગલાં ભરીને લારીઓ હટાવી દીધી છે જેના કારણે લોકો પે એન્ડ પાર્ક નો ઉપયોગ વાહન પાર્ક કરવા માટે કરી રહ્યાં છે.
જો વરાછા ઝોન પે એન્ડ પાર્કમાં ચાલતા ધંધાદારી દબાણ ગણતરીના દિવસોમાં હટાવી શકતી હોય તો પછી અઠવા ઝોન ગૌરવ પથ ખાતેના પે એન્ડ પાર્કમાં થતાં દબાણ કેમ દુર કરાવી શકતી નથી. અઠવા ઝોનમાં તો પાલિકાએ જાહેર કરેલા સાયકલ ટ્રેક પર પણ ધંધાદારી વાહનો પાર્ક થાય છે તેવી જ રીતે પે એન્ડ પાર્કમાં ખાણી પીણીની લારીઓ ઉભી રાખવામાં આવે છે. આ ન્યુસન્સ ને કારણે ટ્રાફિકની ભારે સમસ્યા થઈ રહી છે તેથી વરાછા ઝોન ની જેમ અઠવા ઝોન પણ આ દુષણ દુર કરે તેવી માગણી થઈ રહી છે.