– વૈશ્વિક મંદી તથા ઘરઆંગણે માગ મંદ પડવા જેવા મુદ્દાને ધ્યાનમાં લેવાશે
Updated: Mar 14th, 2023
મુંબઈ : આકાર પામી રહેલા વિવિધ ઘટનાક્રમોને ધ્યાનમાં રાખી આગામી નાણાં વર્ષની પ્રથમ બેઠકમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા વ્યાજ દરમાં વધારો કરવાનું ટાળશે તેવો નોમુરા દ્વારા મત વ્યકત કરવામાં આવી રહ્યો છે.
ધીમો પડી રહેલો રિટેલ ફુગાવો, નાણાં નીતિની સખતાઈની અસર, અમેરિકામાં નાણાંકીય અસ્થિરતાના સંકેત તથા નાણાં વર્ષ ૨૦૨૪માં ઘરેલું માગ નબળી રહેવાની ધારણાંને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્ક વ્યાજ દરમાં વધારો કરવાનું ટાળશે એમ નોમુરાના એનાલિસ્ટો દ્વારા એક રિપોર્ટમાં દાવો કરાયો છે.
રિઝર્વ બેન્કની મોનિટરીપોલિસી કમિટિની બેઠક ૩થી ૬ એપ્રિલ દરમિયાન મળી રહી છે.
ગયા વર્ષના મે મહિનાથવ્યાજ દરમાં કરાયેલા વધારાની આગામી નાણાં વર્ષમાં અસર જોવા મળવાની રિઝર્વ બેન્કને અપેક્ષા છે. વ્યાજ દર અંગે હવે પછી કોઈપણ નિર્ણય લેવા પહેલા રિઝર્વ બેન્ક વ્યાજ દરમાં વધારાની અસરને ચકાસસે. ગયા વર્ષના મેથી અત્યારસુધીમાં વ્યાજ દરમાં અઢી ટકા વધારો કરાયો છે. રિઝર્વ બેન્ક ફુગાવાને નીચો લાવવા વ્યાજ દર વધારી રહી છે. ૬.૫૦ ટકાનો દર ફેબુ્રઆરી ૨૦૧૯ બાદની ઊંચી સપાટીએ છે.
અમેરિકામાં મંદીનું જોખમ વધ્યું છે જે અમેરિકાની નાણાં નીતિ પર અસર કરશે એમ નોમુરા માની રહી છે.
આ ઉપરાંત વૈશ્વિક મંદી તથા સખત નાણાં નીતિને કારણે ઘરેલુ માગ પર અસર જોવા મળવાની પણ શકયતા રહેલી છે. વ્યાજ દરની સ્થિતિ યથાવત રહેવાની શકયતા ૮૦ ટકા છે જ્યારે તેમાં ૨૫ બેઝિસ પોઈન્ટનો વધારો થવાની શકયતા માત્ર વીસ ટકા હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.