Updated: Mar 13th, 2023
– પ્રશાસન દ્વારા ટ્રાયલ શરૂ કરાયો
– આ પહેલા વ્યવસ્થાના ભાગરૂપે રૂ.300ના ખર્ચે સીધો ગર્ભગૃહમાં પ્રવેશ મેળવી શકાતો હતો
વારાણસી : શ્રીકાશી વિશ્વનાથ મંદિરમાં હવે નવો નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે. આ નિયમ મુજબ હવેથી બાબા વિશ્વનાથના સ્પર્શ દર્શન કરવા માટે રકમ ચૂકવવી પડશે. મંદિર પ્રશાસન દ્વારા રકમ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. એક રિપોર્ટ મુજબ, આ રકમ રૂપિયા ૫૦૦ થી ૧,૦૦૦ સુધી રાખવામાં આવી શકે છે.
શ્રીકાશી વિશ્વનાથ મંદિરના પ્રશાસન દ્વારા ટ્રાયલના રૂપમાં ભક્તો પાસેથી રૂપિયા ૫૦૦ નો ચાર્જ લેવાનો શરૂ કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થાના ભાગરૂપે હવે દર્શનાર્થીઓ સીધા ગર્ભગૃહ સુધી પ્રવેશ કરીને બાબાના સ્પર્શ દર્શન કરી શકશે. અત્યાર સુધી, તમામ શ્રદ્ધાળુઓ સીધા ગર્ભગૃહમાં પ્રવેશ કરીને સ્પર્શ દર્શન કરતા હતા પણ તેને કારણે અવ્યવસ્થા સર્જાતી હતી.
ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર ૨૦૧૮ના રોજ મંદિર પ્રશાસન દ્વારા સુગમ દર્શન વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વ્યવસ્થાના ભાગરૂપે રૂપિયા ૩૦૦ના ખર્ચે દર્શનાર્થીઓ કોઈપણ લાઈનમાં ઉભા રહ્યા વગર સીધા મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકતા હતાં. મંદિર પ્રશાસનનું કહેવું છે કે, નવી વ્યવસ્થાને કારણે દર્શનાર્થીઓની સુવિધામાં વધારો થશે. શ્રીકાશી વિશ્વનાથ મંદિરના પ્રશાસનનું કહેવું છે કે, છેલ્લા ઘણા સમયથી ભક્તોની સુવિધામાં વધારો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ નવી વ્યવસ્થા તેનો જ એક ભાગ છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૨૧માં ૩૫૨ વર્ષ બાદ કાશી વિશ્વનાથ મંદિરમાં કોરિડોર બનાવીને શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો કરવામાં આવ્યો હતો.