પાસોદરા વિસ્તારમાં ધો.6 માં અભ્યાસ કરતી બાળાએ બનાવેલા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ ગંદા મેસેજ કર્યા
કાકાને જેલભેગો કરાયો
Updated: Mar 15th, 2023
– પાસોદરા વિસ્તારમાં ધો.6 માં અભ્યાસ કરતી બાળાએ બનાવેલા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ ગંદા મેસેજ કર્યા
– કાકાને જેલભેગો કરાયો
સુરત, : સુરતના પાસોદરા વિસ્તારમાં રહેતા વેપારીની ધો.6 માં અભ્યાસ કરતી 11 વર્ષની બાળાને તેણે બનાવેલા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગંદા મેસેજ કરી બાદમાં મહાશિવરાત્રીની રાતે માતાજીના કાર્યક્રમમાં છેડતી કરનાર 20 વર્ષના પિતરાઈ કાકાની સરથાણા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજકોટના વતની અને સુરતના પાસોદરા વિસ્તારમાં રહેતા વેપારીની 11 વર્ષની પુત્રી રીમા ( નામ બદલ્યું છે ) લસકાણાની એક સ્કૂલમાં ધો.6 માં અભ્યાસ કરે છે.સંયુક્ત પરિવારમાં રહેતા તેમના ઘરે એક જનરલ મોબાઈલ ઘરના સભ્યોના ઉપયોગ માટે અને બાળકોના સ્કુલેથી આવતા કોલ અને મેસેજ માટે રાખવામાં આવ્યો છે.રીમાએ તે મોબાઈલ નંબર પર જ પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું હતું.દરમિયાન, ગત 29 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી દરમિયાન બપોરના ત્રણથી સાંજના છ વાગ્યાના સમયગાળામાં રીમાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તેના પિતરાઈ કાકા ચિરાગે ગંદા મેસેજ કર્યા હતા.આ મેસેજ ઘરના લોકોએ જોતા તેમણે રીમાને પૂછતાં તેણે પિતરાઈ કાકાની અન્ય કરતૂત પણ કહી હતી.
ગત 18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીની રાત્રે 10થી 12 દરમિયાન અન્ય કુટુંબીના ઘરે માતાજીનો કાર્યક્રમ હતો ત્યારે ચિરાગ રીમાની પાછળ બેસી ગયો હતો.બાદમાં તેણે રીમાના પેટના ભાગે હાથ ફેરવી અડપલાં કર્યા હતા.આથી રીમાના પરિવારે ચિરાગના પિતાને વાત કરી તેણે મોકલેલા મેસેજ પણ બતાવ્યા હતા.જોકે, તેમણે મારો દીકરો આવો નથી કહી તેનો બચાવ કર્યો હતો.આથી છેવટે આ અંગે રીમાની કાકીએ આજરોજ સરથાણા પોલીસ મથકમાં ચિરાગ વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે પુણાગામ કારગીલ ચોક વિસ્તારમાં રહેતા 20 વર્ષના ચિરાગની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.