– ઇમરાનખાનના ટેકેદારો તેના ગૃહ સમક્ષ એકઠા થઈ ગયા અને પોલીસ સાથે ઝપાઝપી કરી
લાહોર : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાખાનની ધરપકડ કરવા ગયેલી પોલીસ અને ખાનના ટેકેદારો વચ્ચે ગઈકાલે રાત્રે થયેલી ગંભીર અથડામણ સતત આઠ કલાક સુધી ચાલી રહી હતી. પરિણામે પોલીસ ખાનની ધરપકડ કર્યા સિવાય જ લાહોર સ્થિત તેમના નિવાસસ્થાનેથી ખાલી હાથે પરત ફરી હતી.
વાસ્તવમાં ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ૭૦ વર્ષના ઇમરાનખાન ઉપર વિદેશી મહાનુભાવોને ગેરકાયદેસર (પોતાને મળેલી) ભેટો વેચવાનો આરોપ પાકિસ્તાનના ચૂંટણી પંચે મૂક્યો હતો.
પાકિસ્તાનના કાનૂન પ્રમાણે પોતાને વિદેશમાંથી મળેલ ભેટો તોશાખાનામાં જમા કરાવવી જ જોઈએ અને જો તે પોતાને રાખવી હોય તો તેમણે ભેટની ફીના અમુક ટકા રકમ સરકારી ટ્રેઝરીમાં જમા કરાવવી જ પડે.
આ ઉપરાંત અન્ય શર્તોનું પણ ઉલ્લંઘન કરવા માટે ગત સપ્તાહે ભ્રષ્ટાચાર વિરોધી કોર્ટમાં ઇમરાન ખાન ઉપર ચાર્જશીટ મુકવામાં આવ્યું હતું. તે પછી કોર્ટે ખાનને સમન્સ પાઠવ્યા હતા પરંતુ તેઓ કોર્ટની સમક્ષ હાજર ન થતાં તેમની ઉપર ધરપકડનું વોરંટ કોર્ટે જારી કર્યું હતું. તે વોરંટના આધારે લાહોર સ્થિત ખાનના નિવાસસ્થાને પોલીસ પહોંચી હતી પરંતુ ખાનના ટેકેદારો અને તેમના પક્ષ પીટીઆઇના સભ્યોએ ૮ કલાક સુધી પોલીસ સાથે ઝપાઝપી કરી પોલીસને અટકાવી રાખી હતી. પરિણામે આખરે પોલીસ ખાલી હાથે પાછી ફરી હતી.
વધુમાં જાણવા મળ્યું છે કે, ઇમરાખાનની પાકિસ્તાન- તેહરિક-એ-ઇન્સાફ (પીટીઆઇ) પાર્ટીના સભ્યો તથા ઇમરાનના ટેકેદારો અને પોલીસ વચ્ચે થયેલી ઝપાઝપી પછી પોલીસે ટીયર ગેસ અને વોટરકેનનનો ઉપયોગ કર્યો હતો અને તે ઝપાઝપી દરમિયાન પીટીઆઇનો એક કાર્યકર પણ માર્યો ગયો હતો.
આ ઘટના અંગે ખાને પાકિસ્તાન સરકાર ઉપર આક્ષેપ મૂકતા કહ્યું હતું કે આ તેના “લંડન પ્લાન’ પ્રમાણે કરવામાં આવ્યું છે. જેમાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ વિરૂદ્ધની તમામ પાર્ટીઓને ખતમ કરી નાખવાની યોજના છે.
ઇમરાન ખાને કોર્ટના કેટલાય સમન્સનો અનાદર કર્યા પછી બીજી વખત એવું બન્યું છે કે, ઇસ્લામાબાદથી તેમની ધરપકડ માટે પોલીસ લાહોર મોકલવામાં આવી હોય.
પોલીસ ખાનના નિવાસસ્થાન નજીક જામેલા જંગ પછી તે વિસ્તારમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. ત્યારે ખાને એક વિડીયો રીલીઝ કર્યો હતો જેમાં કહ્યુંહતું કે, ‘પોલીસ મને પકડવા આવી છે તેઓ માને છે કે ઇમરાનખાન જેલમાં જશે તો લોકો સૂઈ જશે પરંતુ તમારે તેમને ખોટા પાડવાના છે તમારે સાબિત કરવાનું છે કે કોમ (જનતા) હજી જીવંત છે.’
તમારે તમારા હક્ક માટે લડવાનું છે તેઓ મને જેલમાં મોકલી આપે કે મારી નાખે પરંતુ તમારે તે સાબિત કરવાનું છે કે તમે એક જ વ્યક્તિના ગુલામ નહીં બનો.
સોમવારે લાહોર પોલીસે ઇમરાન ઉપર તેના જ પક્ષના કાર્યકરની અકસ્માત દ્વારા કરાયેલી હત્યા માટે ઇમરાન અને અન્ય વ્યક્તિઓ ઉપર કેસ દાખલ કર્યો છે.
ખાને તેમ પણ કહ્યું હતું કે, તેઓ શનિવારે કોર્ટમાં હાજર થશે જ તે માટે સ્યોરીટી બોન્ડ આપવા તે તૈયાર છે.