– ભંડોળના અભાવે સ્ટાર્ટઅપ્સ દ્વારા હવે મોટાપાયે કોસ્ટ કટિંગના પગલાં ભરવાનું દબાણ
Updated: Mar 15th, 2023
મુંબઈ : ભારતના સ્ટાર્ટઅપ્સને વેન્ચર કેપિટલ (વીસી) ફન્ડિંગમાં ગયા વર્ષે ઘટાડો જોવા મળ્યો હતો. કેલેન્ડર વર્ષ ૨૦૨૧માં ૩૮.૫૦ અબજ ડોલરની સરખામણીએ ગયા વર્ષે એટલે કે ૨૦૨૨માં ભારતના સ્ટાર્ટઅપ્સને ફન્ડિંગનો આંક ૨૫.૭૦ અબજ ડોલર રહ્યો હતો.
સૂચિત વૈશ્વિક મંદીના ભણકારાએ રોકાણકારોને નવી કંપનીઓમાં ઈન્વેસ્ટ કરવામાં ધીમા પાડયા છે. ભંડોળના અભાવે સ્ટાર્ટઅપ્સે મોટેપાયે કોસ્ટ કટિંગના પગલાં હાથ ધરવા પડી રહ્યા છે.
જંગી રોકડની આવશ્યકતા ધરાવતી કન્ઝયૂમર ટેકનોલોજી ક્ષેત્રની કંપનીઓને સૌથી મોટો ફટકો પડયો હતો. આ ક્ષેત્રની કંપનીઓને વીસી ફન્ડિંગ ગયા વર્ષે ૫૫ ટકા જેટલું ઘટી ૧૦ અબજ ડોલરથી પણ ઓછું રહ્યું હોવાનું એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું હતું.
૧૦ કરોડ ડોલરથી વધુ કદના સોદામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો જ્યારે નાના કદના સોદામાં ગતિ જળવાઈ રહી હતી. સામાન્ય રીતે ૧૦ કરોડ ડોલરથી વધુના ભંડોળ માટે દેશના સ્ટાર્ટઅપ્સે વિદેશી ભંડોળ પર નિર્ભર રહેવું પડે છે.
અમેરિકાની સિલિકોન વેલી બેન્કના ધબડકાને કારણે વર્તમાન વર્ષમાં ભારતની સ્ટાર્ટઅપ્સ માટે ભંડોળ મેળવવાનું વધુ મુશકેલ બની જવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે.
૨૦૨૧માં મોટા કદના સોદાનો આંક જે ૯૨ રહ્યો હતો તે ૨૦૨૨માં ઘટી ૪૮ પર આવી ગયાનું પણ પ્રાપ્ત આંકડા જણાવે છે. વૈશ્વિક રોકાણકારો મોટા કદના સોદા કરવામાં સાવચેતી વર્તી રહ્યા હોવાથી આવા પ્રકારના સોદામાં ઘટાડો થયો છે, એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
ભંડોળના અભાવે અનેક યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સે કોસ્ટ કટિંગના ભાગરૂપ મોટેપાયે છટણી કરવાની પણ ફરજ પડી છે. ગયા વર્ષે સ્ટાર્ટએપ્સમાંથી ઓછામાં ઓછા ૨૦,૦૦૦ લોકોએ રોજગાર ગુમાવ્યાનો અંદાજ છે.