Updated: Mar 15th, 2023
– “ધ વેબ-સ્પેસ-ટેલીસ્કોપ’ની કમાલ
– નાસાએ લીધેલી તે તસ્વીરમાં તે તારામાંથી ‘કણો’ અને ‘ગેસ’ ઉડતાં જોવા મળ્યાં છે
કેપકેનવેરલ (યુ.એસ.) : અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાનાં વેબ-સ્પેસ-ટેલીસ્કોપે મૃત્યુની કગાર પર પહોંચેલા તારાની અદ્ભુત તસ્વીરો લીધી છે. ડબલ્યુઆર-૧૨૪ નામનો આ તારો સૂર્ય કરતાં આશરે ૩૦ ગણો વિશાળ છે. તે હવે ફાટી રહ્યો છે અને સુપરનોવા બની રહ્યો છે. પછી તે ધીમે ધીમે વિખરાઈ જશે, પરંતુ અત્યારે તો તેમાંથી અગણિત રજકણો અને ગેસ બહાર આવી રહ્યાં છે. આ દ્રશ્ય જોઈ નાસાના ખગોળશાસ્ત્રી મેકૌર્નના ગાર્શિયા મારીને જણાવ્યું હતું કે, અમે આવું પહેલાં કદી જોયું નથી. વાસ્તવમાં તે ઘટના અત્યંત રોમાંચક છે.
‘ધ વેબ સ્પેસ ટેલિસ્કોપ’ ૨૦૨૧ના અંતમાં સ્થાપિત કરાયું હતું તે પછી તેણે ઝીલેલું આ સૌથી પહેલું અદ્ભુત દ્રશ્ય છે.
આ પૂર્વે જુલાઈ ૨૦૨૨માં નાસાનાં હબ ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવેલી તસ્વીરોમાં ગેલેક્સી અને બ્લેક-હોલ સહિત કેટલીયે આકાશી ઘટનાઓ જોવા મળી છે. તેના વિડીયો પણ નાસાએ શેર કર્યા છે. તેમાં તારાઓની અંતિમ ક્ષણો ઝડપાઈ છે. આ તસ્વીરો શેર કરતાં નાસાએ તેના કેપ્શનમાં લખ્યું હતું કે, વેબે અમને એક રિંગ આપી છે.
જેમ્સ વેબના વિડીયોમાં સર્ધન રિંગ પ્લેનેટરી નેબ્યુલા રેકોર્ડ થઈ ગઈ હતી. તે નેબ્યુલા નિહારીકા ગેસ અને રજકણો ભરેલો એક ગોળો છે. જે મૃત્યુ પામી રહેલાં તારાઓમાંથી નીકળે છે.