છત્તીસગઢના આ ગામના દરેક પરિવારમાં છે એક યુટ્યુબર
બે મિત્રોએ શરુ કર્યો હતો યુટ્યુબ વીડિયો ટ્રેન્ડ
Updated: Mar 15th, 2023
તા. 14 માર્ચ 2023, બુધવાર
ઈન્ટરનેટ કનેક્શન આવવાથી યુવાનો માટે કમાણીના જુદા જુદા રસ્તાઓ ખુલી ગયા છે. હવે લોકો 8 કલાકની નોકરીને બદલે ક્રિએટીવ કામ કરવાનું વધારે પસંદ કરતા હોય છે. હાલ કમાણી કરવા માટેનું એક વિકલ્પ યુટ્યુબ પણ છે. વર્ષ 2020થી યુટ્યુબ પર વીડિયો ક્રિએટર વધ્યા છે. આવા જ વીડિયો ક્રિએટર્સનું એક ગામ છત્તીસગઢમાં આવેલું છે, જ્યાં ગામના લોકો યુટ્યુબ વીડિયો બનાવી કમાણી કરે છે.
દરેક પરિવારમાં છે યુટ્યુબર
છત્તીસગઢના રાયપુર જિલ્લામાં આવેલું તુલસી ગામ વીડિયો ક્રિએટર્સ માટે જાણીતું છે. આ ગામને યુટ્યુબર્સનું ગામ પણ કહેવાય છે. આ ગામની વસ્તી આશરે 3000થી 4000ની વચ્ચે છે. આ ગામમાં 432 પરિવારો છે અને લગભગ દરેક પરિવારમાંથી કોઈને કોઈ સદસ્ય યુટ્યુબર છે. આ લોકો યુટ્યુબના માધ્યમથી કમાણી કરે છે. આ ગામમાં 5 વર્ષના નાના બાળકથી લઈને 85 વર્ષના દાદા પણ યુટ્યુબ પર વીડિયો બનાવી પોસ્ટ કરતા હોય છે.
બે મિત્રોએ શરુ કર્યો ટ્રેન્ડ
આ ગામમાં યુટ્યુબ વીડિયો બનાવવાની શરૂઆત બે મિત્રોએ કરી હતી. આ બંને મિત્રોનું નામ જય અને જ્ઞાનેન્દ્ર છે. જય એક કોચિંગ સેંટર ચલાવતા હતા, જયારે તેનો મિત્ર જ્ઞાનેન્દ્ર SBIમાં એન્જિનિયર હતો. જયને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો. જ્ઞાનેન્દ્ર સાથે મળીને તેણે કોમેડી વીડિયો યુટ્યુબ પર અપલોડ કરવાનું શરુ કર્યું હતું. જ્ઞાનેન્દ્રને બેન્કમાંથી હાઈ સ્પીડ ઈન્ટરનેટ મળતું હતું જેના લીધે તેણે પણ વીડિયો બનાવવાનું શરુ કર્યું હતું.
યુટ્યુબની કમાણીથી ખરીદયો કેમેરો
ગામના લોકોએ પણ આ બંને મિત્રોને વીડિયો બનાવવામાં ખુબ મદદ કરી હતી. આ ગામમાં ક્રિએટીવ લોકોની કોઈ કમી નહોતી. હાલમાં ગામના લોકોએ યુટ્યુબ પર 40થી 50 જેટલી યુટ્યુબ ચેનલ્સ બનાવી લીધી છે. તેમનાં વીડિયો જુદી જુદી કેટેગરીના હોય છે. પહેલા આ લોકો મોબાઈલ ફોન વડે વીડિયો બનાવતા હતા. યુટ્યુબ દ્વારા કમાયેલ રકમથી આ લોકોએ હવે કેમેરા અને શૂટિંગ માટે જુદા જુદા સાધનો ખરીદી લીધા છે.