વડોદરામાં કારનો કાચ તોડીને સોનાના દાગીના ભરેલી બેગ લઈને આરોપી ફરાર થઈ ગયો હતો
Updated: Mar 15th, 2023
અમદાવાદ, 15 માર્ચ 2023 સોમવાર
રાજ્યમાં ધાડ અને લૂંટના બનાવો વધી રહ્યાં છે. તાજેતરમાં જ 1400 કિલો ચાંદીની લૂંટનો મામલો સામે આવ્યો હતો. જેમાં પોલીસને આરોપીઓને પકડવામાં સફળતા મળી છે. પરંતુ બીજી તરફ વડોદરામાં 2.35 કરોડ રૂપિયાની કિંમતના સોનાના દાગીનાની લૂંટનો મામલો પણ પોલીસે ઉકેલી નાંખ્યો છે. આ લૂંટના ગુનાનો આરોપી છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હતો. જેને પોલીસે પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે કરી મુખ્ય આરોપીની ધરપકડ
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને વડોદરા શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશનની કાર્યવાહીમાં આરોપી મનોજ સિંધીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વડોદરા શહેરમાં આવેલ આંગડીયા અને સોનાની દુકાનોમાં જે લોકો પૈસા કે ઘરેણા લઇ નીકળતા તેને ટાર્ગેટ કરી લૂંટવાનું કાવતરું કરતો હતો. તેણે બે વર્ષ પહેલાં ફોરવ્હીલર ગાડીનો સાઇડનો કાચ તોડી પાછલી ડેકીનો દરવાજો ખોલી 2 સોનાના દાગીના ભરેલી બેગ લૂંટી ફરાર થઈ ગયો હતો. સોનાના દાગીના ભરેલી બેગમાં કુલ 5 કિલો સોનું હતું જેની કિંમત આશરે 2 કરોડ આસપાસ છે. સોનાના દાગીનામાં સોનાની બુટ્ટીઓ, નેકલેશ, સોનાની માળાઓ, ચેઈન, પેન્ડલ તથા અન્ય દાગીનાઓનો હતા.
વડોદરા શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશન અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મળી તપાસ હાથ ધરી હતી
આરોપીએ વડોદરા શહેરમાં ચોરી કરવા માટે કાવતરૂ ઘડ્યું હતું. તેણે તેના સાગરીતોને અલગ અલગ વાહનોમાં અલગ અલગ ટીમો બનાવીને મોકલ્યા હતાં. આ ટીમને વડોદરામાં આવેલી આંગડિયા તથા સોના ચાંદીની દુકાનોમાંથી જે લોકો પૈસા કે ઘરેણા લઇને બહાર નીકળે તેમનો પીછો કરીને જ્યાં મોકો મળે ત્યાં તેમને લૂંટીને ફરાર થઈ જવાનું નક્કી કર્યું હતું. વડોદરા શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશન અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મળી તપાસ હાથ ધરી હતી.
આરોપીએ 780 ગ્રામ સોનું વેચી આશરે 33 લાખ રૂપિયા મેળવ્યા
પોલીસે મુખ્ય આરોપી મનોજ સિંધીએ કરેલ સોનાના દાગીનાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ સુત્રો મુજબ આરોપીએ 780 ગ્રામ સોનું વેચી આશરે 33 લાખ રૂપિયા મેળવ્યા હતા. જેમાંથી 27 લાખ રૂપિયા તેમણે અલગ-અલગ દિવસે ભુજ શહેર ખાતેથી તેમના સંબંધીઓને મોકલ્યા હતા. આ આરોપી 2 વર્ષથી ફરાર રહી ભાવનગર, અમદાવાદ જેવી અન્ય જગ્યાઓ પર ફરી પોલીસથી નાસી ભાગ થતો હતો. તે અગાઉ સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશનના ગુનામાં પકડાયો હતો.તેને ભુજ શહેર ખાતે પાસા કરવામાં આવેલ છે.