SVB અને સિગ્નેચર બેંકના ડૂબ્યા બાદ ત્રીજી બેંક પણ ડૂબવાના આરે
સોમવારે બેંકનો શેર ફરી એકવાર 60 ટકા ઘટ્યો હતો
Updated: Mar 15th, 2023
Image : Twitter |
અમદાવાદ, 15 માર્ચ 2023, બુધવાર
અમેરિકામાં બેન્કિંગ સેક્ટરમાં ઉથલપાથલ શાંત થવાનું નામ નથી લઈ રહી. સિલિકોન વેલી બેંક અને સિગ્નેચર બેંકના ડૂબ્યા બાદ દેશની ત્રીજી બેંક પણ એક સપ્તાહમાં ડૂબવાના આરે છે. અમેરિકામાં ડૂબતી બેંકોમાં સિલીકોન વેલી પછી સિગ્નેચર બેંક બીજી સૌથી મોટી બેંક હતી. અમેરિકામાં ફરી 2008 જેવી મંદીનો ખતરો જોવા મળી રહ્યો છે.
સિલિકોન વેલી બેંકના ડૂબવાની અસર ફર્સ્ટ રિપબ્લિક બેંક પર પણ જોવા મળી રહી છે. બેંકની હાલત ખરાબ છે. સોમવારે બેંકનો શેર ફરી એકવાર 60 ટકા ઘટ્યો હતો. આ સ્થિતિમાં 27 ટકા લોકોનું માનવું છે કે આગામી સપ્તાહમાં ફેડ દરોમાં વધારો કરવામાં આવશે નહીં. સાન ફ્રાન્સિસ્કોની બેંકે રવિવારે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે JP મોર્ગન ચેઝ એન્ડ કંપની બેંકને નાણાકીય મદદ પૂરી પાડી શકે છે. જેના કારણે બેંક તેની લિક્વિડિટી જાળવી શકશે. જોકે અમેરિકન સત્તાવાળાઓએ એક નિવેદન જારી કરીને કહ્યું કે તેઓ ગ્રાહકોની દરેક જરૂરિયાત પૂરી કરવાનો પ્રયાસ કરશે.
અમેરિકામાં 2008 જેવી મંદીના સંકેત
અમેરિકામાં એક બેંક ક્રેશને કારણે 2008 જેવી મંદીનો ખતરો ગાઢ થવા લાગ્યો છે. વર્ષ 2008માં બેંકિંગ ફર્મ લેહમેન બ્રધર્સે પોતાને નાદાર જાહેર કર્યા હતા. આ પછી અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં આર્થિક મંદી આવી અને અર્થવ્યવસ્થાની કમર તૂટી ગઈ હતી. અમેરિકાના બેંકિંગ ઈતિહાસ પર નજર નાખો તો 2008 પછી બેંકિંગ સેક્ટરમાં બીજું મોટું શટડાઉન સિલિકોન વેલી બેંકનું બંધ હતું. આ પછી તરત જ ત્રીજી સિગ્નેચર બેંક અને હવે ફર્સ્ટ રિપબ્લિકના રૂપમાં ચોથી બેંક બંધ થવાના આરે છે.