– ફુગાવાને અંકુશમાં લેવા જતાં ઊંચા વ્યાજ દરોએ બેન્કિંગ વિશ્વને નાણાકીય અસ્થિરતામાં ધકેલ્યું
– કટોકટીના પગલે યુરોપના બેન્કિંગ શેરોમાં 60 અબજ ડોલરનું ધોવાણ : ક્રેડિટ સ્વિસના શેર 30 ટકા તૂટી ઐતિહાસિક તળિયે
મુંબઈ : વિશ્વ ફરી ધારણા મુજબ નાણા કટોકટીમાં ધકેલાઈ રહ્યું છે. અસાધારણ મોંઘવારી-ફુગાવાને અંકુશમાં લેવા વ્યાજ દરોમાં ટૂંકાગાળામાં તીવ્ર વધારો કરવાનું શરૂ કરનાર યુ.એસ. ફેડરલ રિઝર્વ ખુદ પોતાની બેંકિંગ સિસ્ટમને સંકટમાં ધકેલી દેવા નિમિત બન્યા બાદ આ બેંકિંગ સંકટ હવે યુરોપના દેશોમાં ફેલાવા લાગ્યું છે. વિશ્વના મોટાભાગના દેશોની સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજ દરમાં તીવ્ર વધારો કર્યાના દુષ્પરિણામ સામે આવી રહ્યા છે. વૈશ્વિક ઈન્વેસ્ટરો, ફંડોએ બેંકિંગ ક્ષેત્રે જોખમ ઓછું કરવા રોકાણ પાછું ખેંચવાની શરૂઆત કરી દેતાં અને નિયામક અંકુશોના પરિણામે હવે સ્વિઝરલેન્ડની જાયન્ટ ક્રેડિટ સ્વીસ પાછળ સંકટ ઘેરાયું છે. ક્રેડિટ સ્વીસમાં વૈશ્વિક ઈન્વેસ્ટરોએ નવું રોકાણ કરવાનો ઈન્કાર કરી દેતાં યુરોપના બજારોમાં આજે બેંકિંગ શેરોમાં સાર્વત્રિક ગાબડાં પડયા હતા. જેના પરિણામે ઘણાં બેકિંગ શેરોમાં ટ્રેડીંગ અટકાવવાની ફરજ પડી હતી. ક્રેડિટ સ્વીસ પાછળ આ કડાકામાં આજે યુરોપની બેંકોના સેરોમાં ૬૦ અબજ ડોલરથી વધુ ધોવાણ થઈ ગયું હતું.
સ્વિઝ જાયન્ટ ક્રેડિટ સ્વીસ ગુ્રપમાં સૌથી મોટી આંતરરાષ્ટ્રીય રોકાણકાર સાઉદી અરેબિયાની નેશનલ બેંકના ચેરમેને નવું રોકાણ નહીં કરે એવું નિવેદન કરતાંની સાથે ક્રેડિટ સ્વીસના શેરમાં જોતજોતામાં ગાબડાં પડવા લાગી શેર ૩૦ ટકા તૂટી આજે ઐતિહાસિક નવા તળીયે આવી ગયો હતો. નિયામક અંકુશોને લઈ બેંકોમાં વૈશ્વિક ઈન્વેસ્ટરો માટે નવું રોકાણ કરવું પણ પરવાનીત નહીં બનતાં વૈશ્વિક બેંકિંગ જાયન્ટો નવું રોકાણ મેળવવામાં અસમર્થ રહ્યાનો ભોગ બન્યાનું જાણવા મળે છે. નિયામક અંકુશને કારણે ક્રેડિટ સ્વીસમાં સાઉદી અરેબિયાની નેશનલ બેંક ૧૦ ટકાથી વધુ રોકાણ નહીં કરવાના નિવદેને આજે ક્રેડિટ સ્વીસના શેરનો ભાવ ૩૦ ટકાથી વધુ તૂટીને બે ની અંદર આવી ગયો હતો. આ સાથે જર્મનીની જાયન્ટ બીએનપી પારિબાસના શેરમાં પણ ગાબડાં પડવા લાગી અન્ય બેંકિંગ, ફાઈનાન્સ કંપનીઓના શેરોમાં ડોઈશ બેંક, સોસાયટી જનરલ અને યુબીએસના શેરોમાં પણ મોટું ધોવાણ થયું હતું. શેરોના ભાવોમાં ગાબડાં પડવા લાગતાં યુરોપના શેર બજારોમાં ક્રેડિટ સ્વીસ, સોસાયટી જનરલ અને ઈટાલીની મોન્ટે દ પાસ્ચી અને યુનીક્રેડિટના શેરોમાં ટ્રેડીંગ અટકાવવાની ફરજ પડી હતી.
અમેરિકામાં સિલિકોન વેલી બેંક(એસવીબી) અને સિગ્નેચર બેંક ઊંચા વ્યાજ દરોનો ભોગ બની ઉઠમણું થઈ ગયા બાદ વૈશ્વિક ઈન્વેસ્ટરોએ પોતાનું વિશ્વભરમાં જ્યાં જ્યાં જોખમ છે એ બેંકોમાં જોખમ ઓછું કરવાની કવાયતમાં રોકાણ ઘટાડવા લાગતાં આ કટોકટી યુરોપના દેશોની બેંકિંગ સિસ્ટમમાં ફેલાવા લાગી છે. યુરોપના દેશોના વિવિધ શેર બજારોમાં આજે કડાકામાં જર્મનીની કોમર્ઝબેંક એજીનો શેર ૯.૪૯ ટકા તૂટીને ૯.૩૫, ડોઈશ બેંકનો શેર મોડી સાંજે ૮ ટકા તૂટીને ૯.૬૮, સ્વિઝ જાયન્ટ ક્રેડિટ સ્વીસ ગુ્રપ એજીનો ભાવ ૩૦ ટકાથી વધુ તૂટીને ૧.૫૫ સ્વિઝ ફ્રેન્ક, સોસાયટી જનરલ એસએનો ભાવ ૧૪ ટકા તૂટીને ૨૧.૨૬ યુરો, બીએનપી પારિબાસ ૧૨ ટકા તૂટીને ૫૧ યુરો, યુનિક્રેડિટ એસપીએનો ભાવ ૭ ટકા તૂટીને ૧૬.૪૫ યુરો, એચએચબીસી પ્લેક. ૬ ટકા તૂટીને ૫૪૫ પાઉન્ડ, આઈએનજી ગુ્રપે એનવી ૧૦ ટકા તૂટીને ૧૦.૭૫ યુરો, બાર્કલેઝ પ્લેક. ૮ ટકા તૂટીને ૧૩૯ પાઉન્ડ, ક્રેડિટ એગ્રીકોલ ૬ ટકા તૂટીને ૧૦ યુરો, યુબીએસ ગુ્રપ એજી ૮ ટકા તૂટીને ૧૬.૭૫ સ્વિઝ ફ્રેન્ક જેટલા રહ્યા હતા.
ભારતીય શેર બજારોમાં પણ આજે સતત પાંચમાં દિવસે શેરોમાં ફોરેન ફંડોની વેચવાલી રહેતાં સેન્સેક્સ ૩૪૪.૨૯ પોઈન્ટ તૂટીને ૫૭૫૫૫.૯૦ અને નિફટી સ્પોટ ૭૧.૧૫ પોઈન્ટ ઘટીને ૧૬૯૭૨.૧૫ બંધ રહ્યા હતા. આમ છેલ્લા પાંચ ટ્રેડીંગ દિવસમાં સેન્સેક્સ ૮,માર્ચ ૨૦૨૩ની ૬૦૩૪૮.૦૯ની સપાટીથી ૨૭૯૨.૧૯ પોઈન્ટ તૂટયો છે. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૮,માર્ચ ૨૦૨૩ની ૧૭૭૫૪.૪૦ની સપાટીથી પાંચ દિવસમાં ૭૮૨.૨૫ પોઈન્ટ તૂટયો છે. રોકાણકારોની સંપતિમાં આજે એક દિવસમાં વધુ રૂ.૧.૪૯ લાખ કરોડ ધોવાણ થવા સાથે પાંચ દિવસમાં રૂ.૧૦.૩૪ લાખ કરોડનું ધોવાણ થયું છે.
ડાઉમાં 632 પોઈન્ટનું ગાબડું : યુરોપના બજારોમાં કડાકો
યુરોપના દેશોમાં બેંકિંગ સંકટ ફેલાતાં હવે અમેરિકાથી શરૂ થયેલી નાણા કટોકટી વિશ્વભરમાં ફેલાવા લાગી હોઈ આજે કડાકો બોલાઈ ગયો હતો.
સાંજે યુરોપના બજારોમાં ચાલુ બજારે લંડન શેર બજારનો ફુટ્સી ૧૦૦ ઈન્ડેક્સ ૨૦૭ પોઈન્ટનું ગાબડું, જર્મનીનો ડેક્ષ ઈન્ડેક્સ ૪૦૦ પોઈન્ટ અને ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૨૧૨ પોઈન્ટનો કડાકો બતાવાતો હતો. જ્યારે ફિનલેન્ડનો ઓએમએક્સ હેલિન્સકી ૨૯૪ પોઈન્ટ, સ્વિઝરલેન્ડનો સ્વિઝપરફોર્મન્સ ઈન્ડેક્સ ૨૦૭ પોઈન્ટ ઘટાડો બતાવતા હતા. અમેરિકાના શેર બજારોમાં ન્યુયોર્ક શેર બજાર અને નાસ્દાક કામકાજના પ્રારંભિક તબક્કામાં ડાઉ જોન્સમાં ૬૩૨ પોઈન્ટનું ગાબડું અને નાસ્દાકમાં ૧૧૯ પોઈન્ટનો કડાકો બોલાયો હતો.