ચીને સીપીઇસી પાવર પ્લાન્ટ પ્રોજેકટ અંર્તગત નાણા ખર્ચ કરેલો
સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન પરના ટ્રાન્જેકશન નિયંત્રણોથી ચીન નારાજ
Updated: Mar 15th, 2023
નવી દિલ્હી,૧૫ માર્ચ,૨૦૨૩,બુધવાર
દરેક મદદની એક કિંમત ચુકવવી પડતી હોય છે તે પાકિસ્તાનને સમજાઇ રહયું છે. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ અત્યંત વિકટ બની છે તેવા સંજોગોમાં ચીને પૈસા માંગતા ગરીબી મેં આટા ગીલા જેવો ઘાટ થયો છે. પાકિસ્તાન જેને આર્યન બ્રધર તરીકે ઓળખાવતું રહયું છે એ ચીને જ ગ્રહણ ટાણે સાપ કાઢતા પાકિસ્તાનની સ્થિતિ દયનિય બની છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ચીને પાવર પ્લાન્ટ પ્રોજેકટ અંર્તગત ૧.૫ અબજ ડોલર માંગી રહયું છે. આ પાવર પ્લાન્ટ ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી) અંર્તગત તૈયાર કરવામાં આવ્યો હતો. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન પર આર્થિક વ્યહવારોના નિયંત્રણ મુકવામાં આવતા ચીને નારાજગી વ્યકત કરી છે. આ નિયંત્રણોના લીધે જ કોલસાની આયાત કરવામાં મુશ્કેલી પડી રહી છે. કોલસાના અભાવે પાવર પ્લાન્ટ પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત રાખી શકાતો નથી.
ચીન દૂતાવાસના ટોચના અધિકારીઓ પાંગ ચૂનશૂઇએ આ બાબતે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફના મદદનીશ સૈયદ તારિક ફતેમીની એક પત્ર લખ્યો છે. આ પત્રમાં પાકિસ્તાન પાસેથી ૧.૫ અબજ ડોલરનું ઉધારી આપી દેવાનો ઉલ્લેખ થયો છે.
આ ઉપરાંત સીપીઇસીના પાવર પ્રોજેકટ અંગે પણ ચિંતા વ્યકત કરવામાં આવી હતી.પાકિસ્તાન દેવાદાર બનતું જતું હોવાથી પ્રોજેકટમાં રોકાણ કરનારી ચીની કંપનીઓ પણ ચિંતામાં પડી છે. ચીન અને પાકિસ્તાનની ભાગીદારી વાળો સીપીઇસી પ્રોજેકટ ઘોંચમાં પડયો છે. સીપીઇસી જેવા વિશાળ પ્રોજેકટમાં નાણા રોકાણ કરાવીને પાકિસ્તાનને દેવાદાર બનાવવામાં ચીનનો પણ મોટો હાથ છે.