રાજ્યમાં મેન્યુઅલને અવગણીને દક્ષિણની કંપનીઓએ માપણી કરી
Updated: Mar 15th, 2023
ગાંધીનગર, 15 માર્ચ 2023 બુધવાર
ગુજરાત વિધાનસભામાં જમીન માપણીનો મુદ્દો ઉછળ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ ગૃહમાં જમીન માપણી અને મહેસૂલ વિભાગની માંગણીઓ પર ચર્ચા કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં જમીન માપણીનો મોટો પ્રશ્ન છે. રાજ્યમાં 1.25 કરોડ સરવે નંબરોની માપણી કરવાની થાય છે. રાજ્યમાં 2010-11માં માપણી શરૂ થઈ હતી.
બનાસકાંઠા જિલ્લાની 30 હજાર અરજીઓ હજી પેન્ડિંગ
રાજ્યમાં મેન્યુઅલને અવગણીને દક્ષિણની કંપનીઓએ માપણી કરી છે. આ કંપનીઓ માપણી માટેના કરોડો રૂપિયા લઈને છુ થઈ ગઈ અને રાજ્યમાં ઝગડા વધી ગયાં હોવાનો અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો. રાજ્યમાં જમીન માપણીના સરવે સુધારણાની 5.50 લાખ અરજીઓ પડી છે. જેમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે માપણી જ્યાંથી શરૂ કરાઈ હતી તે બનાસકાંઠા જિલ્લાની 30 હજાર અરજીઓ હજી પેન્ડિંગ પડી છે.
ગૌચરની જમીન આંતરિયાર વિસ્તારમાં બતાવી
અમિત ચાવડાએ કહ્યું હતું કે, 2018માં ચાર મંત્રીઓની ટીમ રાજ્ય સરકારે બનાવી હતી. આ ટીમોએ જામનગરમાં કામગીરી કરી તો 50 ટકાથી વધુ ભૂલો સામે આવી હતી. સરકારે રોડ ટચ ગૌચરની જમીન આંતરિયાર વિસ્તારમાં બતાવીને મળતીયાઓને ફાયદો કરાવ્યો છે. જેથી કોંગ્રેસે સમગ્ર ગુજરાતની જમીન માપણી રદ કરવા માંગ કરી છે.