Updated: Mar 15th, 2023
– અલ સાલ્વાડોરમાં ગુનાખોરી ડામવા ઐતહાસિક નિર્ણય
– વિલ્મર સેગોવિયા લેટીન અમેરિકન દેશની સૌથી મોટી એમએસ-13 નામની ગેંગ ચલાવતો હતો
સાન સાલ્વાડોર : લેટીન અમેરિકન દેશ અલ સાલ્વાડોરમાં એક ગેંગસ્ટરને ૩૩ હત્યા, ૯ હત્યાની કોશિશ અને અન્ય ગુનાખોરી માટે ૧,૩૧૦ વર્ષની સજા ફટકારવામાં આવી છે. વિલ્મર સેગોવિયા નામનો આ ગેંગસ્ટર એમએસ-૧૩ નામની ગેંગનો સદસ્ય છે.
અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિ નાયિબે ગેંગસ્ટરો વિરૂદ્ધ લેટીન અમેરિકન દેશનું સૌથી મોટું અભિયાન શરૂ કર્યું છે. રાષ્ટ્રપતિના અભિયાનને અંતર્ગત ૩૩ હત્યામાં સામેલ વિલ્મર સેગોવિયા નામના ગેંગસ્ટરને ૧,૩૧૦ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આ સાથે જ ૨૨ હત્યામાં સામેલ એવા બીજા ગેંગસ્ટરને ૯૪૫ વર્ષની સજા સંભળાવવામાં આવી છે.
૨૨ હત્યામાં સામેલ એવા મિગુએલ એન્જલ પોર્ટિલો પર હત્યા સિવાય, આગચંપી અને હત્યાની કોશિશ જેવા બીજા ઘણા આરોપ લાગ્યા હતાં. આ બંને ગેંગસ્ટરોને સંભળાવવામાં આવેલી સજાને લેટીન અમેરિકન દેશની સૌથી લાંબી સજા માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, અલ સાલ્વાડોરમાં ગુનાખોરીએ માથું ઉચકતા રાષ્ટ્રપતિએ ખુદ મેદાને ઉતરવું પડયું છે.
અલ સાલ્વાડોરના પ્રમુખ નાયિબ બુકેલેએ ૨૪ ફેબુ્રઆરીના રોજ ટવીટ કરીને માહિતી આપી હતી કે, તેમની સરકારે દેશના ખૂંખાર ગણાતા ૨,૦૦૦ જેટલા ગેંગસ્ટરોને એક નવી બનાવેલી જેલમાં શિફ્ટ કર્યા છે. કુલ ૪૦,૦૦૦ કેદીઓની ક્ષમતાવાળી આ જેલને લેટીન અમેરિકાની સૌથી મોટી જેલ માનવામાં આવી રહી છે.