રૂપિયા સામે ડોલરના ભાવમાં આગળ ધપતી તેજી
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાદીના ભાવમાં તેજી આગળ વધી હતી. વિશ્વ બજારના સમાચાર આગેકૂચ બતાવતા હતા. વિશ્વ બજાર ઉછળતાં ગરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં તેજી ાગળ વધી હતી. વિશ્વ બજારમાં બેન્કિંગ કટોકટીના પગલે શેરબજારો ગબડતાં સોનામાં ફંડોની લેવાલી ચાલુ રહી હતી. વૈશ્વિક સોનાના ભાવ ઔંશના આજે ૧૯૦૮થી ૧૯૦૯ વાળા ઉછળી ૧૯૨૫ થઈ ૧૯૨૧થી ૧૯૨૨ ડોલર રહ્યા હતા.
સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૨૧.૭૪થી ૨૧.૭૫ વાળા વધી ૨૨.૩૦ થઈ ૨૨.૨૫થી ૨૨.૨૬ ડોલર રહ્યા હતા. ઘરઆંગણે આજે અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૫૦૦ વધી રૂ.૬૭૫૦૦ બોલાયા હતા.
અમદાવાદ સોનાના ભાવ આજે ૧૦ ગ્રામના વધુ રૂ.૧૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૫૯૪૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૫૯૬૦૦ બોલાતા થયા હતા.
દરમિયાન, વૈશ્વિક બેન્કિંગ કટોકટીના પગલે માગ ઘટવાની શક્યતા વચ્ચે વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલ, કોપર, પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવ જો કે ગબડતા જોવા મળ્યા હતા. ક્રૂડતેલના ભાવ તૂટી નીચામાં ૧૫ મહિનાના તળિયે ઉતર્યા હતા. ન્યુયોર્ક ક્રૂડતેલના ભાવ બેરલના ૭૩.૨૭ વાળા નીચામાં ૬૯.૭૬ થઈ ૭૦.૩૦ ડોલર રહ્યા હતા.
જ્યારે બ્રેન્ટક્રૂડના ભાવ ૭૯.૪૪ વાળા નીચામાં ૭૫.૮૮ થઈ ૭૬.૩૨ ડોલર રહ્યા હતા. ૨૦૨૩ના વર્થમાન વર્ષના પ્રથમ ૬ મહિનામાં વૈશ્વિક સ્તરે ક્રૂડતેલમાં માગ કરતા પુરવઠો વધુ રહેવાની શક્યતા ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી દ્વારા બતાવાતાં તેની અસર પણ વૈશ્વિક ક્રૂડ તેલના ભાવ પર જોવા મળી હતી.
દરમિયાન, વિશ્વ બજરામાં આજે પ્લેટીનમના ભાવ ઔંશના ૯૮૪થી ૯૮૫ વાળા નીચામાં ૯૫૧ થઈ ૯૬૦થી ૯૬૧ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૫૧૨થી ૧૫૧૩ વાળા નીચામાં ૧૪૨૩ થઈ ૧૪૪૬થી ૧૪૪૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૩ ટકા ગબડયા હતા.
મુંબઈ બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૫૭૩૭૪ વાળા રૂ.૫૭૨૭૧ થઈ રૂ.૫૭૬૭૧ રહ્યા હતા જયારે ૯૯.૯૦ના ભાવ રૂ.૫૭૬૦૫ વાળા રૂ.૫૭૫૦૧ થઈ રૂ.૫૭૯૦૨ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૬૬૧૭૬ વાળા રૂ.૬૬૮૬૧ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૨.૪૮ વાળા રૂ.૮૨.૬૦ રહ્યા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ આજે વધી ૧૦૩.૭૬ થઈ ૧૦૩.૬૯ રહ્યાના નિર્દેશો હતા.
મુંબઈ બજારમાં બ્રિટીશ પાઉન્ડના ભાવ રૂ.૧૦૦.૨૭થી ૧૦૦.૨૮ વાળા ઘટી રૂ.૯૯.૮૭થી ૯૯.૮૮ રહ્યા હતા જ્યારે યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂ.૮૮.૩૭ વાળા રૂ.૮૭.૨૦થી ૮૭.૨૧ રહ્યા હતા. રૂપિયા સામે આજે જાપાનની કરન્સી આજે જો કે ૧.૩૫ ટકા પ્લસમાં રહી હતી.