Updated: Mar 15th, 2023
– બ્લેક સી પર યુએસ ડ્રોનનો રશિયાએ આકરો વિરોધ કર્યો
– રશિયાના બે જેટને નાટોના બે પ્લેને આંતરી એસ્ટોનિયાની સરહદની અંદર દાખલ થવા ન દેતા તનાવમાં વધારો થયો
નવી દિલ્હી : બ્લેક સી પર રશિયાના જેટ અને અમેરિકન ડ્રોન વચ્ચેની અથડામણ તથા અમેરિકન ડ્રોન ક્રેશ થતાં સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચ્યો હતો. યુક્રેન યુદ્ધ પછી પહેલી વખત થયું છે જ્યારે અમેરિકા-રશિયા વચ્ચે આ પ્રકારની અથડામણ થઈ છે. રશિયાએ આ સમગ્ર મામલે આકરું વલણ દાખવ્યું છે. રશિયાએ અમેરિકાને આકરા શબ્દોમાં ચેતવતા જણાવ્યું હતું કે શું તેઓ આ પ્રકારના ડ્રોન ન્યૂયોર્ક કે સાનફ્રાન્સિસ્કા આસપાસ ઉડતા જોઈ શકશે. તેમણે અમેરિકન પ્રવૃત્તિને ઉશ્કેરણીજનક કહી હતી.
અમેરિકામાં રશિયાના રાજદૂત એન્ટોનોવે જણાવ્યું હતું કે આ સ્પષ્ટપણે ઉશ્કેરણીજનક કાર્યવાહી છે. રશિયાની સરહદની જોડે અમેરિકન ડ્રોન, વિમાનો અને જહાજનું કોઈ કામ નથી.
રશિયના સત્તાવાળાઓએ આ ઉપરાંત જણાવ્યું છે કે તેઓ અમેરિકાના તોડી પાડવામાં આવેલા ડ્રોનનો કાટમાળ કબ્જે કરવાના પ્રયત્નો કરશે. રશિયાની સિક્યોરિટી કાઉન્સિલના સેક્રેટરી નિકોલાઈ પત્રુશેવે જણાવ્યું હતું કે અમે ચોક્કસપણે આ ડ્રોનનો કાટમાળ મેળવવા પ્રયત્ન કરીશું. તેણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બ્લેક સીમાં ડ્રોનની હાજરીને સામાન્ય ગણી ન શકાય. આ દર્શાવે છે કે અમેરિકા યુક્રેન યુદ્ધમાં કેટલી હદ સુધી સંકળાયેલું છે. આ ઘટનાના ગણતરીના કલાકો પછી રોયલ એરફોર્સ અને જર્મન હવાઇદળે એસ્ટોનિયાની નજીક રશિયાના બે વિમાનોને આંતર્યા હતા. તેના પગલે નાટો અને રશિયા વચ્ચે તનાવ વધી ગયો હતો. રશિયાનું પ્લેન સેન્ટ પિટર્સબર્ગથી કેલિનિનગ્રાડ ખાતે ઉડાન કરી રહ્યુ હતુ ત્યારે તેને આંતરવામાં આવ્યું હતું. તેના પછી નાટોના જેટે રશિયાના મિલિટરી એરક્રાફ્ટ એન્ટોનોવને આંતર્યુ હતુ અને તેને તેની હવાઈ સરહદની અંદર રહેવા સૂચના આપી હતી.
આ ઉપરાંત રશિયાએ આરોપ મૂક્યો છે કે નોર્ડ સ્ટ્રીમ પાઇપલાઇન-ટુને અમેરિકાએ તોડી હતી. તેઓએ તેમના જહાજને આ પાઇપલાઇનથી થોડે દૂર શંકાસ્પદ સાધન મળી આવ્યો હોવાનો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે આ ડિવાઇસનો ઉપયોગ એક્સ્પ્લોઝન માટે થયો હોઈ શકે.