શખ્સે શા માટે અણીદાર બ્લેડ ખાધી તે જાણવા મળતું ન હતું
અખાધ્ય વસ્તુ ચાવવી કે ખાવાની આદત એક માનસિક બીમારી
Updated: Mar 15th, 2023
સાંચોર,૧૫ માર્ચ,૨૦૨૩,બુધવાર
રાજસ્થાનના સાંચોરના દાતા ગામમાં એક વિચિત્ર ઘટના બની છે. એક શખ્સના પેટમાંથી ડોકટરોએ ઓપરેશન કરીને ૫૬ રેજર બ્લેડ બહાર કાઢી હતી. ૨૫ વર્ષના આ શખ્સનું નામ યશપાલસિંહ છે. તેને અચાનક જ ઉલટી અને ઉબકા શરુ થયા હતા.ઉલટીમાં બ્લડ પણ જોવા મળતું હતું. આ જોઇને પરીવારજનો ગભરાઇ ગયા અને તાત્કાલિક જ સાંચોરની એક ખાનગી હોસ્પિટલ લઇ ગયા હતા.
હોસ્પિટલમાં સારવારના ભાગરુપે એકસ -રે કરવામાં આવતા ડોકટરોને દર્દીના પેટમાં કોઇ ધાતું પડી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. વધુ ખાતરી માટે સોનોગ્રાફી અને એન્ડોસ્કોપી કરવામાં આવતા પેટમાં અણીદાર બ્લેડસના ટુકડા હોવાનું સ્પષ્ટ થયું હતું. ડોકટરોએ દર્દીનો જીવ બચાવવા માટે તાબડતોબ ઓપરેશન કરીને બ્લેડના ટૂકડા બહાર કાઢયા હતા.
નવાઇની વાત તો એ હતી કે એક કે બે નહી પરંતુ કુલ ૫૬ જેટલી બ્લેડ પેટમાંથી નિકળી હતી. યશપાલ પોતાના ચાર મિત્રો સાથે રહેતો હતો. તબીયત બગડવાની જાણકારી પરીવારજનોને મિત્રોએ જ આપી હતી.ડોકટરોનું માનવું હતું કે શખ્સે કોઇ પણ કારણોસર બ્લેડ ખાધી હતી. બ્લેડ કાગળના ટુકડા સાથે ખાધી હોવાથી પાચન દરમિયાન જઠર ખાસ છોલાયું ન હતું.
કાગળના ટુકડા ઓગળવા લાગતા ચાવેલી બ્લેડના ટુકડાથી ઇજ્જા થવા લાગી હતી.આથી ઉલટીમાં લોહી જોવા મળતું હતું. શખ્સે શા માટે અણીદાર બ્લેડ ખાધી તે જાણવા મળતું ન હતું. અખાધ્ય વસ્તુ ચાવવાની કે ખાવાની આદત એક માનસિક બીમારી છે પરંતુ શખ્સે કેવા સંજોગોમાં આમ કર્યુ હતું તેની સૌને નવાઇ લાગી હતી.