Updated: Mar 15th, 2023
– રેસ્ક્યુ ટીમ 24 કલાક બાદ બાળક સુધી પહોંચી
વિદિશા, તા. 15 માર્ચ 2023, બુધવાર
મધ્યપ્રદેશના વિદિશા જિલ્લામાં બોરવેલમાં પડેલા આઠ વર્ષના લોકેશને 24 કલાક બાદ બહાર કાઢવામાં આવ્યો અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો છે. કલેક્ટર ઉમાશંકર ભાર્ગવે બાળકના મોતની પુષ્ટિ કરી છે. SDRFની 3 ટીમ અને NDRFની 1 ટીમે 24 કલાક ભારે મહેનત કરી હતી. એમ્બ્યુલન્સ તૈયાર જ રાખવામાં આવી હતી અને બાળકને બહાર કાઢતાં જ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને ત્યાં તેને ICUમાં રાખવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત થઈ ગયુ છે.
વિદિશા જિલ્લાના લટેરી તાલુકાના ખેરખેરી પાથર ગામમાં આઠ વર્ષીય લોકેશ અહિરવાર કાચા બોરવેલમાં પડી ગયો હતો. ઘટના બની ત્યારે તે વાંદરાઓનો પીછો કરી રહ્યો હતો. બોરવેલ 60 ફૂટ ઊંડો હતો. માસૂમ 43 ફૂટ ઊંડે ફસાઈ ગયો હતો. મંગળવારે સવારે 11:30 વાગ્યાથી પોલીસ અને NDRFની ટીમોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમ 24 કલાક બાદ બાળક સુધી પહોંચી હતી. તેને બહાર કાઢવામાં આવ્યો અને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું.
બાળકને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. રાતોરાત ખોદકામ કરવામાં આવ્યું હતું. બોર પાસે સમાંતર 45 ફૂટનો ખાડો ખોદવામાં આવ્યો હતો. પછી એક ટનલ બનાવવામાં આવી. ઘટનાસ્થળે હાજર અધિકારીએ જણાવ્યું કે, બાળકને ઓક્સિજન સપોર્ટ આપીને લટેરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ટનલ પાસે એમ્બ્યુલન્સ ઉભી હતી. ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અને અન્ય મેડિકલ સ્ટાફને ટનલની અંદર બોલાવવામાં આવ્યા હતા. બાળકને બહાર કાઢતાં જ તેને 14 કિમી દૂર લટેરી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેમણે દમ તોડી દીધો. સરકારનું વળતરનું એલાન
આ મામલે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કર્યું છે તેમણે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને પીડિત પરિવારને 4 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.