મુંબઈ : અમેરિકામાં સિલિકોન વેલી બેંક(એસવીબી) અને સિગ્નેચર બેંકના ઉઠમણાંના પરિણામે અમેરિકાની બેંકિંગ સિસ્ટમ પરનો વિશ્વાસ ડગમગવા લાગ્યા બાદ પરિસ્થિતિ અંકુશમાં લેવા પ્રયાસો થઈ રહ્યા છે, ત્યાં હવે યુરોપના દેશમાં ફુગાવા, ઊંચા વ્યાજ દરોના પરિણામે બેંકિંગ સંકટ ઘેરાવા લાગ્યું હોવાના અને ક્રેડિટ સૂઈસ ગુ્રપ સ્થિરતા ગુમાવી રહ્યાના ગુ્રપમાં મોટી ઈન્વેસ્ટર સાઉદી અરેબિયાની નેશનલ બેંકના ચેરમેને વધુ રોકાણ કરવાનો ઈન્કાર કરી દીધાના અહેવાલોએ શેરનો ભાવ ૨૦ ટકા તૂટી જતાં અને બીએનબી પારિબાસમાં ૮ ટકાનું ગાબડું પડતાં ચિંતા ફેલાતાં આજે યુરોપના દેશોના બજારોમાં બેંકિંગ શેરો સહિતમાં ગાબડાં પાછળ સેન્ટીમેન્ટ ડહોળાયું હતું.
પાંચ દિવસમાં સેન્સેક્સ ૨૭૯૨ પોઈન્ટ તૂટયો : નિફટી સ્પોટ પાંચ દિવસમાં ૭૮૨ પોઈન્ટ ગબડયો
અમેરિકાના બજારોમાં ફયુચર્સમાં સાંજે ડાઉ જોન્સમાં ૫૫૦ પોઈન્ટ અને નાસ્દાકમાં ૧૭૫ પોઈન્ટનો કડાકો બતાવાતો હતો. એશીયામાં ચાઈનાએ ચાઈનાએ આર્થિક રિકવરી આવી રહ્યા છતાં હજુ જોખમ હોવાનું અને ગ્રીન પહેલ-પર્યાવરણ સંતુલનને લઈ સ્ટીલનું ઉત્પાદન ત્રીજા વર્ષે પણ ઘટાડવાના સંકેત આપતાં એશીયાના બજારોમાં સુધારો મર્યાદિત રહ્યો હતો. ભારતીય શેર બજારોમાં આજે કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ, મેટલ-માઈનીંગ શેરોમાં પસંદગીના આકર્ષણ સામે બેંકિંગ-ફાઈનાન્સ શેરો સાથે ઓટોમોબાઈલ, ઓઈલ-ગેસ, એફએમસીજી શેરોમાં વેચવાલીએ સેન્સેક્સ ૩૪૪.૨૯ પોઈન્ટ તૂટીને ૫૭૫૫૫.૯૦ અને નિફટી સ્પોટ ૭૧.૧૫ પોઈન્ટ ઘટીને ૧૬૯૭૨.૧૫ બંધ રહ્યા હતા. આમ છેલ્લા પાંચ ટ્રેડીંગ દિવસમાં સેન્સેક્સ ૮,માર્ચ ૨૦૨૩ની ૬૦૩૪૮.૦૯ની સપાટીથી ૨૭૯૨.૧૯ પોઈન્ટ તૂટયો છે. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૮,માર્ચ ૨૦૨૩ની ૧૭૭૫૪.૪૦ની સપાટીથી પાંચ દિવસમાં ૭૮૨.૨૫ પોઈન્ટ તૂટયો છે.
બેંકેક્સ ૩૮૨ પોઈન્ટ ગબડયો : બેંક ઓફ બરોડા, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંક, સ્ટેટ બેંક ઘટયા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે યુરોપ પાછળ ગાબડાં પડયા હતા. યુરોપમાં સ્વિઝ જાયન્ટ બેંક ક્રેડિટ સૂઈસ ગુ્રપમાં સાઉદી અરેબિયાની નેશનલ બેંકના ચેરમેને વધુ રોકાણ કરવાનો ઈન્કાર કરી દેતાં બેંકિંગ સંકટ ઘેરાવાના સંકેતે યુરોપના દેશોમાં બેંકિંગ શેરોમાં ગાબડાં પડતાં ભારતીય બજારોમાં પણ ફંડો વેચવાલ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૮૨.૪૭ પોઈન્ટ તૂટીને ૪૪૨૨૩.૮૫ બંધ રહ્યો હતો. બેંક ઓફ બરોડા રૂ.૩.૨૦ ઘટીને રૂ.૧૫૯.૩૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૯.૭૦ ઘટીને રૂ.૧૦૪૪.૨૫, એચડીએફસી બેંક રૂ.૨૪.૧૦ ઘટીને રૂ.૧૫૪૦.૭૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૭.૮૦ ઘટીને રૂ.૫૧૭.૪૫, એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક રૂ.૮ ઘટીને રૂ.૫૮૩.૧૦, એક્સિસ બેંક રૂ.૯.૧૦ ઘટીને રૂ.૮૨૩.૭૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૫.૫૦ ઘટીને રૂ.૮૨૫.૧૫ રહ્યા હતા.
કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ શેરોમાં આકર્ષણ : બજાજ ઈલેક્ટ્રિક, ટાઈટન, જીએમઆર, ટીમકેન વધ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ શેરોમાં આજે પસંદગીની લેવાલી રહી હતી. કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં બજાજ ઈલેક્ટ્રિક રૂ.૨૪.૨૫ વધીને રૂ.૧૦૮૦, ટાઈટન કંપની રૂ.૪૧.૫૦ વધીને રૂ.૨૩૯૮.૦૫, વોલ્ટાસ રૂ.૧૦.૪૫ વધીને રૂ.૮૭૩.૮૦, સીજી કન્ઝયુમર રૂ.૩.૩૫ વધીને રૂ.૨૯૧.૯૫, વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૫.૫૫ વધીને રૂ.૧૩૩૦.૪૫ રહ્યા હતા. જ્યારે કેપિટલ ગુડઝ શેરોમાં જીએમઆર એરપોર્ટસ રૂ.૧.૮૫ વધીને રૂ.૪૧.૩૦, ટીમકેન રૂ.૮૦.૮૫ વધીને રૂ.૨૮૦૪, પોલીકેબ રૂ.૫૧.૩૫ વધીને રૂ.૨૯૩૨.૮૫, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૩૧.૫૦ વધીને રૂ.૨૧૭૫.૭૫, સિમેન્સ રૂ.૩૩.૦૫ વધીને રૂ.૩૨૭૭.૪૦ રહ્યા હતા.
માર્કેટબ્રેડથ નેગેટીવ છતાં ઘટાડે સ્મોલ, મિડ કેપ શેરોમાં વધતું વેલ્યુબાઈંગ : ૨૦૧૧ શેરો નેગેટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ આજે ફંડોએ સતત ઓફલોડિંગ કર્યા સામે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ઘટાડે હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ફંડોનું સિલેક્ટિવ વેલ્યુબાઈંગ વધતું રહ્યું હતું. પરંતુ ઘણા શેરોમાં ખેલાડીઓ સતત વેચવાલ રહેતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૪૩ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૫૧૮ અને ઘટનારની વધીને ૨૦૧૧ રહી હતી.
DIIની રૂ.૧૮૨૪ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો-એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૨૭૧.૨૫ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૫૭૬૯.૪૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૭૦૪૦.૬૭ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૧૮૨૩.૯૪ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૬૩૪૩.૮૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૫૧૯.૮૬ કરોડની વેચવાલી થઈ હતી.
રોકાણકારોની સંપતિમાં વધુ રૂ.૧.૪૯ લાખ કરોડનું ધોવાણ : પાંચ દિવસમાં રૂ.૧૦.૩૪ લાખ કરોડ સાફ
સેન્સેક્સ, નિફટી બેઝડ સતત ધોવાણ સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના ઘણાં શેરોમાં વેચવાલી રહેતાં બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓમાં રોકાણકારોની સંપતિ એટલે કે એકત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં જ રૂ.૧.૪૯ લાખ કરોડ ઘટીને રૂ.૨૫૫.૯૦ લાખ કરોડ રહી ગયું હતું. આ સાથે રોકાણકારોની સંપતિમાં પાંચ દિવસમાં રૂ.૧૦.૩૪ લાખ કરોડનું ધોવાણ થયું છે.
યુરોપમાં જર્મનીનો ડેક્ષ ૪૫૦, ફુત્સી ૨૦૦ તૂટયા : ફયુચર્સમાં ડાઉ જોન્સ ૬૧૦, નાસ્દાકમાં ૨૦૦ ગબડયા
યુરોપના દેશોમાં બેંકિંગ સંકટ ફેલાતાં હવે અમેરિકાથી શરૂ થયેલી નાણા કટોકટી વિશ્વભરમાં ફેલાવા લાગી હોઈ આજે કડાકો બોલાઈ ગયો હતો. સાંજે યુરોપના બજારોમાં ચાલુ બજારે લંડન શેર બજારનો ફુત્સી ૧૦૦ ઈન્ડેક્સ ૨૦૦ પોઈન્ટનું ગાબડું, જર્મનીનો ડેક્ષ ઈન્ડેક્સ ૪૫૦ પોઈન્ટ અને ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૨૫૦ પોઈન્ટનો કડાકો બતાવાતો હતો. અમેરિકાના શેર બજારોમાં સાંજે ફયુચર્સમાં ડાઉ જોન્સમાં ૬૧૦ પોઈન્ટનું ગાબડું અને નાસ્દાકમાં ૨૦૦ પોઈન્ટનો કડાકો બતાવાતો હતો. અલબત એશીયાના અન્ય દેશોના બજારોમાં સાધારણ રિકવરી જોવાઈ હતી.