રશિયા અને અમેરિકા વચ્ચે સીધી અથડામણ થઇ હોય તેવી પ્રથમ ઘટના છે.
રશિયાના સુખોઇ એસયૂ ૨૭ એ અમેરિકાના એમકયૂ ૯ રીપર ડ્રોન પર કાર્યવાહી કરી હોવાનો દાવો
Updated: Mar 15th, 2023
ન્યૂયોર્ક,૧૫ માર્ચ,૨૦૨૩,બુધવાર
રશિયા અને યુક્રેન યુધ્ધમાં અમેરિકા યુક્રેનના સમર્થનમાં હોવાથી યુધ્ધ લંબાતું જાય છે. હકિકતમાં યુક્રેનની આડમાં રશિયા અને અમેરિકા લડી રહયા છે. શીતયુધ્ધના જમાનાની યાદ અપાવતી ખેંચતાણ અને તણાવથી દુનિયામાં ચિંતા વધી રહી છે. તાજેતરમાં કાળા સાગરમાં ઉડી રહેલા અમેરિકી ડ્રોનને રશિયાએ તોડી પાડતા તણાવ વધ્યો છે.
કાળા સાગરમાં જે સ્થળે ડ્રોનને ડુબાડી દેવામાં આવ્યું તેની સરહદ રશિયા, યુક્રેન, તુર્કી, બલ્ગેરિયા અને રોમાનિયા સાથે જોડાયેલી છે. આ સ્થળે અમેરિકા ઉપરાંત નાટોના ફાયટર વિમાનો પણ ઉડતા રહે છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરુ થયા પછી ફાયટર જેટસની હિલચાલ ખૂબજ વધી જવાથી કાળા સાગર વિસ્તાર સંવેદનશીલ બન્યો છે. યુક્રેન રશિયા વચ્ચેની લડાઇ પછી રશિયા અને અમેરિકા વચ્ચે સીધી અથડામણ થઇ હોય તેવી પ્રથમ ઘટના છે.
વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ અનુસાર અમેરિકાના સૈન્ય અધિકારી જનરલ જેમ્સ બી હેકરે કહયું હતું કે એમ કયુ ૯ ડ્રોન આંતરરાષ્ટ્રીય હવાઇ વિસ્તારમાં રાબેતા મુજબની ઉડાણ પર હતું. રશિયન વિમાને અમેરિકાના એમ કયુ ૯ને આંતરીને પ્રહાર કર્યો હતો. એમકયૂ ૯ને ભારે નુકસાન થતા છેવટે પાણીમાં જ ડૂબાડી દેવાની ફરજ પડી હતી.અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે આ ઘટનાનો વીડિયો બહાર પાડવાની પણ જાહેરાત કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રશિયાના સુખોઇ એસયૂ ૨૭ એ અમેરિકાના એમકયૂ ૯ રીપર ડ્રોન પર કાર્યવાહી કરી હતી. એમકયૂ ૯ રીપર ડ્રોનનો જાસૂસી માટે ઉપયોગ થાય છે. આ ડ્રોન અમેરિકાની ડિફેન્સ કંપની જનરલ એટોમિકસ એયરો નોટિકલ સિસ્ટમ્સે નિર્માણ કર્યુ છે.આ એક અનમેન્ડ એરિયલ વ્હિકલ (યુએવી) છે જેને પ્રીડેટર બી પણ કહેવામાં આવે છે. આ ડ્રોનનો ઉપયોગ લાંબા અંતરના મિશન માટે થાય છે.
એમકયૂ રિપર ૯ અમેરિકાની એરફોર્સ માટે ખૂબ મહત્વના છે. રશિયાના અધિકારીઓએ અમેરિકા પર આરોપ લગાવ્યો છે કે અમેરિકી ડ્રોન રશિયાની હવાઇ સરહદ તરફ આગળ વધી રહયું હતું. આથી તેને જયારે ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યું ત્યારે તેના ટ્રાંસપોંડર બંધ હતા.ડ્રોન દરિયામાં સમાઇ ગયું તે પહેલા અનિયંત્રિત રહીને ઉડતું હતું. રશિયા અને યુક્રેન મામલે અમેરિકા અને રશિયા પ્રથમ વાર આમને સામને આવી જતા આ ઘટનાને દુનિયામાં નવાજૂની થવાના એંધાણ તરીકે જોવામાં આવી રહી છે.