– દિલ્હીમાં “દલા તરવાડી’ જેવો ઘાટ, પગાર 66 ટકા વધ્યો
– ધારાસભ્યોનો પગાર 54 હજારથી વધારી 90 હજાર કરાયો, દિલ્હી વિધાનસભામાં આપના 62 એમએલએ
નવી દિલ્હી : દિલ્હી સરકારના મંત્રીઓ અને દિલ્હી વિધાનસભાના સભ્યોના પગાર અને ભથ્થામાં એકજ ઝાટકે ૬૬ ટકાથી વધુનો વધારો કરાયો છે. હવે દિલ્હીના ધારાસભ્યોનો પગાર-ભથ્થાં માસિક ૫૪,૦૦૦થી વધારીને સીધા જ ૯૦,૦૦૦ કરી દેવાયા છે. બીજીબાજુ મંત્રીઓ, વિધાનસભા અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, મુખ્ય દંડક અને વિપક્ષના નેતાના ભથ્થાં રૂ. ૭૨,૦૦૦થી વધારીને રૂ. ૧.૭૦ લાખ કરી દેવાયો છે.
દિલ્હી સરકારે મંત્રીઓ, ધારાસભ્યોના પગાર વધારાનું જાહેરનામુ બહાર પાડયું છે. વિભાગીય સૂચના મુજબ એક ધારાસભ્યને હાલમાં માસિક રૂ. ૧૨,૦૦૦ પગાર મળે છે, જે વધારીને હવે રૂ. ૩૦,૦૦૦ કરાયો છે. આ સિવાય તેમને માસિક રૂ. ૧૮,૦૦૦ ચૂંટણી ક્ષેત્ર ભથ્થું મળતુ હતું, તે વધારીને રૂ. ૨૫,૦૦૦ કરાયું છે. આ સિવાય વાહન ભથ્થું રૂ. ૬,૦૦૦થી વધારીને રૂ. ૧૦,૦૦૦, સચિવીય ભથ્થું રૂ. ૧૦,૦૦૦થી વધારીને રૂ. ૧૫,૦૦૦ કરાયું છે. આમ એક ધારાસભ્યનો પગાર રૂ. ૫૪,૦૦૦થી વધીને રૂ. ૯૦,૦૦૦ થઈ ગયો છે.
આ સિવાય દિલ્હીમાં મુખ્યમંત્રી, મંત્રીઓ, વિધાનસભા અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, મુખ્ય દંડ, અને વિપક્ષના નેતાના પગાર-ભથ્થાં વર્તમાન માસિક રૂ. ૭૨,૦૦૦થી વધારીને રૂ. ૧.૭૦ લાખ કરાયા છે. હકીકતમાં જુલાઈ ૨૦૨૨માં દિલ્હી વિધાનસભાએ ધારાસભ્યો અને મંત્રીઓના પગારમાં વધારો કરવાની દરખાસ્ત પાસ કરી હતી. આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી હવે દિલ્હી સરકારના કાયદા વિભાગે પગાર વધારાનું જાહેરનામું બહાર પાડયું છે. નોંધપાત્ર બાબત એ છે કે ૭૦ ધારાસભ્યોની દિલ્હી વિધાનસભામાં શાસક પક્ષ આમ આદમી પાર્ટીના ૬૨ ધારાસભ્યો છે જ્યારે વિપક્ષ ભાજપના ૮ ધારાસભ્યો છે. દિલ્હીના ધારાસભ્યોના પગાર વધારાનો અમલ પાછલી અસરથી ૧૪મી ફેબ્રુઆરીથી કરાયો છે.