પોલીસે રોકડ સહિત સાડા આઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ન્યુ રાણીપ, ગોમતીપુર, રખિયાલ અને વિરમગામ ગ્રામ્યમાં દરોડા બાદ સ્થાનિક પોલીસ શંકાના ઘેરાવામાં આવીઃ ડીજીપી દ્વારા કાર્યવાહી કરાશે
Updated: Mar 15th, 2023
અમદાવાદ,બુધવાર
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા છેલ્લાં ૨૪ કલાક દરમિયાન અમદાવાદ
શહેરના ન્યુ રાણીપ, ગોમતીપુર
અને રખિયાલ તેમજ વિરમગામમાં દારૂ અને જુગારના અડ્ડા પર દરોડા પાડીને રોકડ ,
વાહન અને અલગ અલગ મુદ્દામાલ સહિત કુલ સાડા આઠ લાખની મત્તા જપ્ત કરી છે. પોલીસે
આ અંગે કુલ ૪૯ આરોપીઓની ધરપકડ કરી છે. મોનીટરીંગ સેલના દરોડાને પગલે સ્થાનિક પોલીસ
પર ડીજીપી દ્વારા સસ્પેન્શન સુધીની કાર્યવાહી થવાની શક્યતાને લીધે પોલીસ અધિકારીઓમાં
ફફડાટ જોવા મળ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને બાતમી મળી હતી કે વિરમગામમાં
ગોવાળ વાસમાં મોટાપાયે વરલી મટકાનો જુગાર રમાડવામાં આવી રહ્યો છે. જેના આધારે મંગળવારે
સાંજે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં વરલી
મટકાના અડ્ડાના સ્ટાફ સાથે કુલ ૨૭ લોકોને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે રૂપિયા ૨૭
હજારની રોકડ, છ ટુ-વ્હીલર્સ
અને મોબાઇલ ફોન સહિત કુલ ૨.૪૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો છેલ્લાં ઘણા મહિનાઓથી આ સ્થળે વરલી મટકાનું સ્ટેન્ડ
ધમધમતુ હોવા છંતાય, સ્થાનિક પોલીસે
કાર્યવાહી શા માટે ન કરી?
તેને લઇને ભારે ચર્ચા જોવા મળી રહી છે. તો અમદાવાદ શહેરમાં મોનીટરીંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડાની
વાત કરીએ તો ન્યુ રાણીપમાં સરસ્વતીનગરમાં દેશી દારૂનું વેચાણ થતુ હોવાની બાતમીને આધારે
મંગળવારે રાતના સમયે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ૧૦૦ લીટરથી વધારે દેશી દારૂ ઉપરાંત, રોકડ અને વાહનો સહિત
કુલ રૂપિયા ૧.૫૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં
આવી છે. જ્યારે અન્ય ત્રણ લોકો ફરાર થઇ ગયા હતા.
જ્યારે ત્રીજા બનાવમાં ગોમતીપુર મણીયારા વાડામાં ચાલતા દારૂના અડ્ડા પર ગત રાત્રીએ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડવામાં
આવ્યો ત્યારે નાસભાગ મચી ગઇ હતી. જેમાં મુખ્ય આરોપી સહિત કુલ ત્રણ વ્યક્તિ ઝડપાઇ ગઇ
હતી અને અન્ય લોકો ફરાર થઇ ગયા હતા. પોલીસે
સ્થળ પરથી દારૂ વેચાણના ૩૫ હજાર અને ૧૫૦ બોટલ વિદેશી દારૂ સહિત કુલ ૧.૧૦ લાખનો મુદ્દામાલ
જપ્ત કર્યો હતો. તો ત્રીજા બનાવમાં સ્ટેટ મોનીટરીંગ ેસેલના સ્ટાફે પંડિત દિન દયાલ ઉપાધ્યાય
હાઉસીંગ સોસાયટી નજીક ગતરાત્રીએ જુગારના અડ્ડા પર દરોડો પાડીને ૨૩ હજારની રોકડ,
૧૭ મોબાઇલ ફોન,
અને ચાર વાહનો સહિત રૂપિયા ૩.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ તમામ દરોડાને પગલે સ્ટેટ મોનીટરીંગ સેલના રિપોર્ટ બાદ સ્થાનિક
પોલીસ વિરૂદ્વ ડીજીપી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.