પબ્લિક શેરહોલ્ડિંગના નિયમોનું પાલન ન કરવા બદલ પગલાં લેવાયા
કંપનીમાં પબ્લિક શેરહોલ્ડિંગ 19.18 ટકા છે જે 25 ટકા હોવું જોઈએ
Updated: Mar 15th, 2023
નવી દિલ્હી, તા.15 માર્ચ-2023, બુધવાર
બાબા રામદેવની કંપની પતંજલિ ફૂડ્સના રોકાણકારોને ઝટકા સમાન અહેવાલો સામે આવ્યા છે. સ્ટોક એક્સચેન્જોએ કંપનીના પ્રમોટર ગ્રૂપ એન્ટિટીઝના 29.258 કરોડ શેર ફ્રીઝ કર્યા છે. કંપની નિર્ધારિત સમય સુધીમાં મિનિમમ પબ્લિક શેરહોલ્ડિંગના નિયમોને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી છે, જેના કારણે તેની સામે આ કાર્યવાહી થઈ છે. ડિસેમ્બરના અંતે પતંજલિ ફૂડ્સમાં પબ્લિક શેરહોલ્ડિંગ 19.18 ટકા હતું.
25 ટકા પબ્લિક શેરહોલ્ડિંગ ન હોવાથી સેબીની કાર્યવાહી
સેબીના નિયમો મુજબ કોઈપણ લિસ્ટેડ કંપનીમાં ઓછામાં ઓછા 25 ટકા પબ્લિક શેરહોલ્ડિંગ હોવું જોઈએ. પતંજલિ ફૂડ્સને પહેલા રૂચી સોયા ઈન્ડસ્ટ્રીઝ તરીકે ઓળખવામાં આવતી હતી. ડિસેમ્બર 2017માં NCLTએ તેની સામે નાદારીની કાર્યવાહી શરૂ કરી હતી. ટ્રિબ્યુનલે જુલાઈ 2019માં પતંજલિ આયુર્વેદના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી હતી. રિઝોલ્યુશન પ્લાનના અમલ બાદ કંપનીમાં પબ્લિક શેરહોલ્ડિંગ ઘટીને 1.1 ટકાએ પહોંચી ગયું હતું.
નિયમ મુજબ 25 ટકા પબ્લિક શેરહોલ્ડિંગ જરૂરી
સેબીના નિયમો મુજબ જો કોઈ કંપનીમાં પબ્લિક શેરહોલ્ડિંગ 25 ટકાથી ઓછું હોય, તો 3 વર્ષની અંદર પબ્લિક શેરહોલ્ડિંગ વધારી 25 ટકાના સ્તરે પહોંચાડવું પડશે. પતંજલિ ફૂડ્સ માર્ચ 2022માં ફોલો ઓન પબ્લિક ઓફર લાવી હતી, જેના દ્વારા 6.62 કરોડ શેર ઈસ્યુ કરાયા બાદ કંપનીમાં પબ્લિક શેરહોલ્ડિંગ વધીને 19.18 ટકાએ પહોંચી ગયું હતી, જોકે ત્યારબાદ કંપનીએ તેને 25 ટકા સુધી લઈ જવા માટે કોઈ પગલાં ઉઠાવ્યા નથી.
21 પ્રમોટર એન્ટિટીઝના શેર ફ્રીઝ થયા
કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, 21 પ્રમોટર એન્ટિટીઝના શેર ફ્રીઝ થયા છે. પતંજલિ આયુર્વેદની કંપનીમાં સૌથી મોટો 39.4 ટકા હિસ્સો છે. જ્યાં સુધી કંપની સેબીના નિયમોનું પાલન ન કરે ત્યાં સુધી આ શેરો ફ્રીઝ રહેશે. બુધવારે NSE પર પતંજલિ ફૂડ્સનો શેર 1.3 ટકા વધી રૂ. 964.40 પર બંધ થયો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં તેમાં 19 ટકાનો ઘટાડો નોંધાયો છે.