ભારતીય શેરબજારના રોકાણકારો માટે વર્ષ 2023 ખૂબ જ નિરાશાજનક રહ્યું
2023ના અઢી મહિનામાં રોકાણકારોને રૂ.26.50 લાખ કરોડનું નુકસાન થયું
Updated: Mar 15th, 2023
મુંબઈ, તા.15 માર્ચ-2023, બુધવાર
ભારતીય શેરબજારના રોકાણકારો માટે વર્ષ 2023 ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. દરરોજ બજારમાં ઉથલ-પાથલથી તેમની કમાણીમાં ઘટાડો થઈ રહ્યો છે. આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ 2023ના અઢી મહિનામાં ભારતીય શેરબજારના રોકાણકારોને 26.50 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
અઢી મહિનામાં માર્કેટ કેપમાં 26.54 લાખ કરોડ રૂપિયાના ઘટાડો
વર્ષ 2022ના છેલ્લા ટ્રેડિંગ દિવસે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ.282.44 લાખ કરોડ હતું, જે અઢી મહિનામાં ઘટીને રૂ.255.90 લાખ કરોડે પહોંચી ગયું છે. એટલે કે વર્ષ 2023માં આ સમયગાળા દરમિયાન માર્કેટ કેપમાં 26.54 લાખ કરોડ રૂપિયાના ઘટાડો થયો છે.
લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ સાડા 8 મહિનાના જૂના સ્તરની નજીક પહોંચી ગયું
ઉપરાંત BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ હવે સાડા 8 મહિનાના જૂના સ્તરની નજીક પહોંચી ગયું છે. ગત વર્ષે 19 જુલાઈએ BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ.256 લાખ કરોડ હતું. તો 15 માર્ચે માર્કેટ કેપ 255.90 લાખ કરોડ રૂપિયાએ પહોંચી ગયું. એટલે કે 19 જુલાઈ બાદ રોકાણકારોએ જેટલી કમાણી કરી હતી, તે તમામ ગુમાવી દીધી છે.
હિંડરબર્ગ, અમેરિકી બેંકે રોકાણકારોને રોવડાવ્યા
ભારતીય શેરબજાર માટે અત્યાર સુધી વર્ષ 2023 સારું રહ્યું નથી. સૌથી પહેલા હિંડનબર્ગ રિસર્ચના અદાણી ગ્રૂપના શેરને શોર્ટ કરનારા રિપોર્ટ બાદ ભારતીય શેરબજાર ઊંધા માથે પછળાયું છે. અદાણી ગ્રુપના શેરમાં 85 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો અને હવે અમેરિકાથી આવી રહેલા બેંકિંગ સંકટના અહેવાલે બજારની મુશ્કેલીમાં વધારો કર્યો છે. છેલ્લા 5 દિવસથી સિલિકોન વેલી બેંક અને સિગ્નેચર બેંક ઠપ પડી જવાના કારણે માર્કેટમાં ચારેકોર વેચવાલી જોવા મળી રહી છે અને આ ઘટાડામાં રોકાણકારોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.