સીસીટીવી કેમેરા ચેક કરતાં મુદ્દામાલની ચોરી બે પોલીસ કર્મીઓએ કરી છતાં ફરિયાદ ના નોંધાઈ
જો કે ડીસીપી અને હજીરા પી.આઇ આવી ઘટના ન બની હોવાનુ કહીને ઢાંક-પીછોડો કરી રહ્યાં હોવાની ચર્ચાઓ
Updated: Mar 15th, 2023
અમદાવાદ, 15 માર્ચ 2023 બુધવાર
રાજયના સામાન્ય નાગરિકો તો ઠીક પરંતુ પોલીસ સ્ટેશનો પણ સલામત ન હોવાનુ જણાઇ રહ્યુ છે. સુરતના હજીરા પોલીસ સ્ટેશનમાં પોલીસે જપ્ત કરેલો ચોરીનો મુદ્દામાલ પોલીસ સ્ટેશનમાંથી જ ચોરાયો હતો. એટલુ જ નહી ચોરી કરનારા પણ બે પોલીસ કર્મચારીઓ હતા. ત્યારબાદ આખી હજીરા પોલીસ સ્ટેશનની ટીમ ધંધે લાગી હતી. આખરે પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરા ચેક કરતા આખો ભાંડો ફુટયો હતો.
મોબાઇલ વાનમાં નોકરી કરતાં બે ડ્રાઇવરોએ ચોરી કરી
પોલીસવાનમાં જ આઉટ સોર્સિસમાં કામ કરતાં પોલીસની પીસીઆર વાન અને મોબાઇલ વાનમાં નોકરી કરતાં બે ડ્રાઇવરોએ ભેગા મળીને ચોરી કરી હોવાનુ બહાર આવ્યુ હતુ. એટલુ જ નહી પોલીસવાનમાં જ ચોરી કેસમાં મુદ્દામાલ તરીકે જપ્ત કરેલા કોપર બંન્ને કર્મચારીઓએ વેચી પણ દીધો હતો. જો કે પોલીસની નાક કપાઇ નહી તે માટે પોલીસે આખી ઘટના દબાવી દીધી હોવાનુ સુત્રો તરફથી જાણવા મળ્યુ છે.
PI જી.એસ પટેલે કહ્યુ હતુ કે બંન્ને ડ્રાઇવરો શંકાસ્પદ લાગતાં હતાં
હજીરા પોલીસે બંન્ને કર્મચારીઓ સામે ચોરીની ફરિયાદ જ ના નોંધીને ભીનુ સંકેલી લીધુ હોવાનુ જાણવા મળ્યુ છે. એટલુ જ નહી ઉચ્ચ અધિકારીઓને ગુપ્ત રિપોર્ટ કરીને બંન્ને કર્મચારીઓની અન્ય જગ્યાએ બદલી કરીને સંતોષ માની લીધો હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે હજીરા પી.આઇ જી.એસ પટેલે કહ્યુ હતુ કે બંન્ને ડ્રાઇવરો શંકાસ્પદ લાગતા હતા. તેમજ તેઓ પોલીસ સ્ટેશનમાં લાંબા સમયથી હતા તેથી તેમનો વહિવટી કારણોસર બદલી કરી હોવાનુ જણાવ્યુ હતુ. તેમણે આ ઘટનાનુ ખંડન કર્યુ હતુ.
પોલીસનુ નાક કપાય તેવી પરિસ્થિતી સર્જાઇ
સુરતની હજીરા પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલા કોપરની ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાઇ હતી. જેથી પોલીસે ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કોપર વાયર મુદ્રામાલ જપ્ત કરી લીધો હતો. તે પોલીસ સ્ટેશનમાં મુક્યો હતો. 5 માર્ચ 2023ના રોજ રાત્રે 10 વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધીમાં હજીરા પોલીસ સ્ટેશનમાંથી પોલીસની કસ્ટડીમાં જમા લીધેલા મુદ્દામાલની ચોરી થઇ ગઇ હતી. જો કે પોલીસ સ્ટેશનમાંથી મુદ્દામાલની ચોરી થતાં પોલીસનુ નાક કપાય તેવી પરિસ્થિતી સર્જાઇ હતી. જેના કારણે હજીરા પોલીસ ટેન્શનમાં આવી ગઇ હતી.
પી.આઇ જી.એસ પટેલે તાબડતોડ તપાસ શરૂ કરી
આ પોલીસ સ્ટેશનના પી.આઇ જી.એસ પટેલે તાબડતોડ તપાસ શરૂ કરી પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમરા તપાસ કરતાં પોલીસ સ્ટેશનની પોલીસવાનમાં જ બે ડ્રાઇવરોએ કોપરની ચોરી કરી હોવાના ફુટેજ મળ્યા હતા. જેથી તાત્કાલીક પી.આઇએ પોલીસ સ્ટેશન વાનના બંન્ને ડ્રાઇવર પંકજ અને સુરેન્દ્રની ઉલટતપાસ કરી હતી. જો કે બંન્ને કર્મચારીઓએ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેથી જે ભંગારવાળાની દુકાને કોપર વેચ્યુ હતુ. તે તાત્કાલીક પોલીસે જપ્ત કરી લીધુ હતુ.
સાયન્ટીફિક પુરાવા મળ્યા છતાં પોલીસ ફરિયાદ નોંધાઇ નથી
જો કે નવાઇની વાત તો એ છે કે આખી ઘટનાના સાયન્ટીફિક પુરાવા મળ્યા છતાં પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. સુરતના ડીસીપી ભાવનાબેન પટેલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતુ કે કેબલ ચોરીનો મામલો હતો. પરંતુ તે ગુનો તો ડીટેકટ થઇ ગયો હતો. પોલીસ સ્ટેશનમાંથી કેબલની પોલીસ કર્મચારીઓએ ચોરી કરી હોવાનુ પુછતાં તેમણે જણાવ્યુ હતુ કે આવો કોઇ બનાવ બન્યો જ નથી. મારા ધ્યાન પર નથી તમે હજીરા પી.આઇને પુછી જુઓ. જો કે સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે પી.આઇએ ઉચ્ચ અધિકારીઓને ગુપ્ત રિપોર્ટ કરી દીધો હોવાનુ જાણવા મળ્યુ છે.