– દેશની સુરક્ષા જોખમમાં મુકાય એવો સ્ફોટક અહેવાલ
– ડિફેન્સ કોન્ટ્રાક્ટ હેઠળ મિસાઇલ અને રડાર સિસ્ટમ બનાવશે ઈલારાના રોકાણ અંગે અગાઉ પણ સરકારે તપાસની જાહેરાત કરી હતી
અમદાવાદ : અદાણી જૂથ સાથે જોડાયેલી એક પછી એક સ્ફોટક વિગતો બહાર આવી રહી છે. એક ચોંકાવનારા અહેવાલ અનુસાર અદાણી જૂથની દેશની સુરક્ષા માટે સેનાને શસ્ત્રો અને અન્ય ઇકવીપમેન્ટ પુરા પાડતી કંપની અદાણી ડીફેન્સ સીસ્ટમ એન્ડ ટેકનોલોજીમાં ટેક્સ હેવન મોરેશિયસ સ્થિત ઈલારા ઇન્ડિયા ઓપર્ચ્યુંનીટી ફંડ્સ ભાગીદાર હોવાનું ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં આજે બહાર આવ્યું છે. આ ઈલારા અદાણી જૂથની દરેક કંપનીઓમાં શેર હિસ્સો ધરાવે છે અને અહી તેને ભાગીદાર નહી પણ વિદેશી ફંડ્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલું જ નહી હિન્ડેનબર્ગના તા. ૨૪ જાન્યુઆરીના રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઈલારા ફંડ્સનો ઉપયોગ અદાણીના માલિકો દ્વારા શેરનું પાર્કિંગ કરવા માટે, અદાણી જૂથની ભારતમાં લીસ્ટેડ કંપનીઓના શેરના ભાવ ઊંચા લઇ જવા માટે થાય છે.
એક્સપ્રેસના આ અહેવાલ બાદ દેશની સુરક્ષા સામે પણ જોખમ ઉભું થઇ શકે એવી સ્થિતિ ઉભી થઇ છે. અદાણી ડીફેન્સને મીગ ૨૯ વિમાન માટે સ્ટીમ્યુલેટર બનાવવાનો કોન્ટ્રાકટ મળેલો છે. તાજેતરમાં જ આ કંપનીને આર્મી માટે લાઈટવેટ રેડિયો રીલે તેમજ એર ડીફેન્સમાં વપરાતા ફાયર ડીફેન્સ બનાવવાનો કોન્ટ્રાકટ પણ મળેલો છે.
અદાણી જૂથની પેટા કંપની અદાણી ડીફેન્સ બેંગ્લોર સ્થિત આલ્ફા ડીઝાઇન ટેકનોલોજી પ્રાઈવેટ લીમીટેડમાં ૨૬ ટકા હિસ્સો ધરાવે છે. આ કંપનીને પીચોરા મિસાઈલ અને રડાર સીસ્ટમ માટેનો રૂ.૫૬૦ કરોડનો ઓર્ડર મળે છે. એટલું જ નહી વર્ષ ૨૦૦૩થી આ કંપની ઈસરો અને ડીફેન્સ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન સાથે કામ કરી રહી છે. બેંગ્લોરની આ કંપનીમાં અદાણી જુથે ૨૬ ટકા હિસ્સો ૨૦૧૮માં ખરીદ્યો હતો તેની સાથે ઈલારા ઇન્ડિયા ફંડે પણ ૦.૫૩ ટકાનો હિસ્સો ખરીદ્યો હતો. આલ્ફા ડીઝાઇનના સૌથી મોટા શેરહોલ્ડર તરીકે વસાકા પ્રમોટર એન્ડ ડેવલપરનું નામ છે. પણ વસાકાના ૪૪.૦૩ ટકા શેર ફરી ઈલારા પાસે છે અને ઈલારા વસાકામાં સૌથી મોટો શેરહોલ્ડર છે. એટલે કે પરોક્ષ રીતે ઈલારા ફંડ જ આલ્ફા ડીઝાઇનમાં માલિક છે અને અદાણી ડીફેન્સનું ભાગીદાર છે.
ઈલારા માત્ર શેરહોલ્ડર જ નહી અદાણી ડીફેન્સમાં ગૌતમ અદાણી જૂથ સાથે માલિકીમાં ભાગીદાર હોવાના અહેવાલ પછી વિરોધ પક્ષોએ કેન્દ્ર સરકારની નીતિની આકરી ટીકા કરી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરી સવાલ ઉભો કર્યો છે કે દેશની મિસાઈલ અને રડાર સીસ્ટમને આધુનિક બનાવવાનો કરાર એક એવી વિદેશી કંપનીને આપવામાં આવ્યો છે કે જેનું અસ્તિત્વ શંકાના દાયરામાં છે. જેની ઓળખની જાણ નથી એવી વિદેશી કંપનીને કોન્ટ્રાકટ આપી દેશની રાષ્ટ્રીય સુરક્ષા કેમ જોખમમાં મુકવામાં આવી રહી છે એમ પણ ગાંધીએ ઉમેર્યું છે.