Updated: Mar 15th, 2023
– “આ આંતરરાષ્ટ્રીય કાનૂન નફ્ફટ ભંગ સમાન છે’ તેમ કહેતા યુ.એસ. દ્વારા રશિયન રાજદૂતને બોલાવી સ્પષ્ટતા માગી
વોશિંગ્ટન : ગઈકાલે અમેરિકાના એક જાસૂસી ડ્રોન વિમાનને રશિયાનાં ફાયટરજેટ એસ.યુ.-૨૭ દ્વારા કાળા સમુદ્ર ઉપરના અંતરરાષ્ટ્રીય વિસ્તારમાં તોડી પાડવામાં આવતાં અમેરિકાએ રશિયા સામે જબરજસ્ત વિરોધ નોંધાવ્યો છે. તેટલું જ નહીં પરંતુ અમેરિકાના વિદેશ મંત્રાલયે રશિયાના રાજદૂતને બોલાવી તે અંગે સ્પષ્ટતા પણ માગી હતી.
આ અંગે પેન્ટાગોને જણાવ્યું હતું કે બે રશિયન એસ.યુ.-૨૭ વિમાનોએ અસલામત અને અવ્યવહારૂ રીતે અમેરિકાનાં માનવરહિત તેવા જાસૂસી ડ્રોન વિમાન એમ.ક્યુ. જે વાસ્તવમાં અંતરરાષ્ટ્રીય તેવા વિસ્તારમાં કાળા સમુદ્ર પર ઊડી રહ્યું હતું ત્યારે રશિયાનાં એસ.યુ.-૨૭ વિમાનોએ પહેલાં તેમના બળતણ ઢોળી નાખ્યા હતા પછી એમ.ક્યુ.-૯ સામે તદ્દન બેજવાબદાર અને અવ્યવહારૂ રીતે ધસી ગયા હતાં. છેવટે તે એમ.ક્યુ.-૯ કાળા સમુદ્રમાં પડી ગયું હતું.
આ ઘટના અંગે પેન્ટાગોનના પ્રેસ સેક્રેટરી પેટ-રાઈડરે કહ્યું હતું કે, ‘તે સક્ષમતાની ઉણપ દર્શાવે છે, તેમની તે અસલામતી તથા અવ્યવહારૂતાની પરિસીમા સમાન છે.’
બીજી તરફ વોશિંગ્ટન સ્થિત રશિયન એમ્બેસેડર એન્ટોનોવે અમેરિકા ડ્રોનનાં ઉંડાણને એક ઉશ્કેરણી સમાન જણાવતાં કહ્યું હતું કે અમેરિકી વિમાનો કે યુદ્ધ જહાજોને રસિયાની સરહદો પાસે આવવાનું કોઈ કારણ જ ન હતું.