Updated: Mar 15th, 2023
વડોદરા,તા.15 માર્ચ 2023,બુધવાર
સુરતના એક કાર ચાલકને મુસાફરના સ્વાંગમાં બેઠેલા ત્રણ ગઠીયા ચકમો આપી કાર લૂંટીને ફરાર થઈ ગયા હોવાનો બનાવ બન્યો છે.
સુરતના પલસાણા ખાતે અષ્ટવિનાયક રેસીડેન્સીમાં રહેતા અને કાર ડ્રાઇવિંગ કરતા દિલીપકુમાર નંગલિયાએ પોલીસને કહ્યું છે કે મારા પરિચિત રીક્ષા ચાલક ગણેશ મદનસિંગ (કડોદરા, સુરત) એ ફોન કરી કાર લઈને વડોદરા જવાનું છે… તેમ કહી રૂ.4000 માં ભાડું નક્કી કર્યું હતું.
આ વખતે તેની સાથે પવન કુમાર અને બિરેન્દ્ર ઉર્ફે પ્રેમ નામના બીજા બે શખ્સ પણ કારમાં બેઠા હતા. સાંજે અમે વડોદરા આવ્યા ત્યારે ગણેશે મને વડોદરા નહીં પણ અમદાવાદ જવું છે, તને તારું ભાડું મળી જશે.. તેમ કહી અસલાલી ખાતે લઈ ગયા હતા. જ્યાં મોડી સાંજે તેઓ એક ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ગયા હતા અને 10 મિનિટમાં પાછા આવ્યા હતા.
કારચાલક દિલીપ કુમારે પોલીસને કહ્યું છે કે, અમદાવાદ થી પરત ફરતા હતા ત્યારે ગણેશે મને કહ્યું હતું કે વડોદરામાં એક જણને કારમાં લેવાનો છે. જેથી અમે તા 12 મી એ વહેલી સવારે ધુમાડ ચોકડી પાસે આવીને ઉભા હતા.
હું ડ્રાઇવિંગ કરીને થાક્યો હોવાથી નીચે ઉતરીને આંટા મારતો હતો તે દરમિયાન ગણેશ અને તેના સાગરીતો કાર લઈને ભાગી છુટ્યા હતા. જેથી અમે વડોદરા શહેર પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. ત્યારબાદ હું સુરત ગયો હતો અને ગણેશ નો સંપર્ક કરતા તેને ફોન બંધ કરી દીધો છે. જેથી સમા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી છે.