Updated: Mar 15th, 2023
વડોદરા,તા.15 માર્ચ 2023,બુધવાર
વડોદરાના સમા વિસ્તારમાં હાઇવે પર ગઈ મોડી સાંજે નશામાં ચૂર ત્રણ યુવકોએ પોલીસ સાથે ઝપાઝપી કરી તમાશો કરતાં ત્રણેયની અટકાયત કરવામાં આવી હતી.
વાહન ચેકિંગ દરમિયાન ત્રણ દારૂડિયાને અટકાવ્યા
સમા ચેકપોસ્ટ પર ગઈ સાંજે પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન એક સ્કૂટર પર ત્રણ યુવકો નાના બાળકને લઈ પસાર થતા હોવાથી પોલીસે તેમને અટકાવ્યા હતા. ત્રણે જણા દારૂના નશામાં હોવાનું જણાઈ આવતા પોલીસે તેમની સામે કાર્યવાહી કરી હતી.
બૂમરાણ મચાવી પોલીસ સાથે ઝપાઝપી કરતાં ટ્રાફિક જામ
પોલીસે યુવકો પાસેથી સ્કૂટરના કાગળો તેમજ તેમના નામ ઠામ ની વિગતો મેળવતા ત્રણેય યુવકોએ કાગળો નહીં મળે, જે થાય તે કરી લો.. તેમ કહી પોલીસની ફેટ પકડી ઝપાઝપી કરી હતી.જેને કારણે અમદાવાદ એક્સપ્રેસ-વે થી વડોદરા તરફ આવતો તેમજ અમદાવાદ સુરત તરફ જતો આવતો ટ્રાફિક જામ થઈ ગયો હતો.
બાળકને વાહન પાસે મૂકી દઈ તમાશો કર્યો
પોલીસે કાર્યવાહી કરવા માટે મક્કમતા દાખવતા ત્રણેય યુવક હોય તેમની પાસેના નાના બાળકને એક વાહન પાસે રોડ પર મૂકી દઈ તમાશો કર્યો હતો. જેથી સમા પોલીસે વધુ સ્ટાફ બોલાવી ત્રણેયની અટકાયત કરી હતી. ત્યારબાદ વાહન વ્યવહાર રાબેતા મુજબનો ચાલુ થઈ ગયો હતો.
સરકારી ફરજમાં રૂકાવટ, હુમલો અને દારૂના અલગ અલગ કેસ કર્યા
સમા પોલીસ સ્ટેશનના પીઆઈએ ત્રણેય યુવકોની પૂછપરછ કરતા તેમના નામ કિશન વીરાભાઇ માળી, વિજય કાળીદાસ માળી અને વિષ્ણુ લક્ષ્મણભાઈ માળી (ત્રણે રહે.ઘનશ્યામ રેસીડેન્સીની બાજુમાં, વડસર ગામ) હોવાનું ખુલ્યું હતું. જેથી ત્રણેય સામે દારૂ, સરકારી ફરજ માં રૂકાવટ અને હુમલાના બનાવો અંગેના અલગ અલગ કેસ કરવામાં આવ્યા હતા.