Updated: Mar 16th, 2023
– તુર્કીમાં હજી તબાહી અટકી નથી : ત્રણ સપ્તાહ પછી ફરી 5.6ની તીવ્રતાનો ભૂકંપ અનેક મકાનો ધરાશાયી
વેલિંગ્ટન : ન્યુઝીલેન્ડમાં ગુરૂવારે ભૂકંપના તીવ્ર આંચકા લાગ્યા હતા. રીક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૭.૧ જેટલી મપાઈ હતી. ન્યુઝીલેન્ડના કેરમાડીઝ દ્વિપ ઉપર આવેલા આ ભૂકંપથી સુનામીની ચેતવણી પણ જાહેર કરાઈ છે. યુ.એસ. જીયોલોજીકલ સર્વે જણાવે છે કે ભૂકંપની સ્પષ્ટ તીવ્રતા તો ૭.૧ હતી ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી ૧૦ કિ.મી. નીચે હતું આ તીવ્ર ભૂકંપ પછી પેસિફિક મહાસાગરમાં સુનામી આવવાની ચેતવણી જાહેર કરાઈ છે.
તે સર્વવિદિત છે કે, તુર્કી અને સીરીયામાં ૬ ફેબુ્રઆરીના દિવસે ૭.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર દક્ષિણ તુર્કીના ગાઝિયાટેપમાં ટેપમાં હતું જે સીરીયા અને તુર્કીની બોર્ડર પર આવેલું છે. આ ભૂકંપથી બંને દેશોમાં મળી ૫૦,૦૦૦ના જાન ગયા હતા અને ૫,૨૦,૦૦૦ એપાર્ટમેન્ટ સહિત ૧૬૦,૦૦૦ ઇમારતો ધરાશાયી થઈ હતી.
ત્યાં હજી પણ તબાહી અટકી નથી ૩ સપ્તાહ પછી ફરી ભૂકંપથી ધરતી ધુ્રજી હતી. આ વખતે તેની તીવ્રતા ૫.૬ જેટલી નોંધાઈ છે. પરંતુ ભયના માર્યા લોકો ઘરની બહાર ધસી આવ્યા હતા. ઘણી ઇમારતો ધ્વસ્ત થઈ હતી. એક શખ્સનું મૃત્યુ પણ થયું હતું. ૨૦મી ફેબુ્રઆરીએ ઇન્ડોનેશિયામાં પણ ભૂકંપ થયો હતો તેની તીવ્રતા ૫.૬ની હતી તે ઉપરાંત પાપુઆના ન્યુગીનીમાં પણ ભૂકંપના આંચકા નોંધાયા હતા. તેની તીવ્રતા ૬.૫ની નોંધાઈ હતી. આ ભૂકંપ ૬ ફેબુ્રઆરીના દિવસે તુર્કીમાં થયેલા ભૂકંપ પછી આવ્યો હતો. જ્યારે ૧૩ માર્ચ ૨૦૨૩ના દિવસે ગુજરાતના કચ્છમાં ફરી ભૂકંપના આંચકા આવ્યા હતા. જે બપોરે ૩.૫ મિનિટે આવ્યા હતા તેની તીવ્રતા તો માત્ર ૩.૯ની જ હતી છતાં લોકો ઘરની અને કાર્યાલયોની બહાર દોડી ગયા હતા જે સહજ પણ હતું.