Updated: Mar 16th, 2023
– 3 વર્ષ સંસ્કૃત પાઠશાળામાં કર્મકાંડ તેમજ જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે : આર્થિક પરિસ્થિતિને કારણે 22 વર્ષ પહેલા પુસ્તકો સાથે નાતો તૂટ્યો હતો : 37 વર્ષે ફરીથી શિક્ષા મેળવવાનું શરુ કર્યુ
સુરત,તા.16 માર્ચ 2023,ગુરૂવાર
સામાન્ય રીતે માતા પિતા તેમના બાળકોને ભણાવવામાં કોઇ પણ જાતની કચાસ રાખતા નથી. બાળકોને સારું ભણતર મળી રહે તે માટે તેઓ દિવસ રાત એક કરી સહુલિયતો પૂરી પાડે છે. પરંતુ આ વચ્ચે સમાજમાં એક એવો અનોખો કિસ્સો જોવા મળ્યો છે જેમાં એક પિતા તેમના દીકરા-દીકરીને ભણાવવા માટે પોતે પણ ભણી રહ્યા છે. વરાછા વિસ્તારમાં રહેતા કર્મકાંડ કરતા બ્રાહ્મણ રમેશભાઈ (રમાકાંતભાઈ) જાની હાલ ધોરણ-10 ની પરીક્ષા આપી રહ્યા છે. રમેશભાઈ પોતાના બાળકોને હોમવર્ક કરાવી શકે તેને માટે અત્યારે પોતે 37 વર્ષની ઉંમરે ભણી રહ્યા છે.
જે લોકોની માનસિકતા એવી હોય કે મોટી ઉંમરમાં શિક્ષા ન મેળવી શકાય કે હવે ઉંમર થઈ ગઈ હવે નવું કંઇજ કરી ન શકાય એવા લોકોએ યોગીચોક ખાતે રહેતા રમેશભાઈ શાંતિલાલ જાની પાસેથી પ્રેરણા લેવા જેવી છે. કર્મકાંડ કરતા એક બ્રાહ્મણ પિતા પોતાના એક દીકરા અને બે દીકરીઓને ભણાવવા માટે હાલ પોતે પણ શિક્ષા મેળવી રહ્યાં છે. ભૂતકાળમાં માતા પિતાની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે તેઓ માત્ર ધોરણ 9 સુધી જ ભણી શક્યા હતા. 3 બહેન, 2 ભાઈ અને માતા-પિતાના પરિવારમાં કોઈ ભણેલું ન હતું જેથી સચોટ માર્ગદર્શન મેળવી શક્યા ન હોવાને કારણે ભણતરને છોડીને તેમણે બ્રાહ્મણ બનવા માટેનો અભ્યાસ શરૂ કર્યો હતો. જેને માટે તેઓએ પિતા પાસેથીવિદ્યા લેવાનું શરુ કર્યુ હતું. બાદમાં 3 વર્ષ સંસ્કૃત પાઠશાળામાં કર્મકાંડ તેમજ જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ પણ કર્યો હતો. પરંતુ તે સરકાર માન્ય શાળા ન હોવાથી ત્યાં ધોરણ-10 ની પરીક્ષા આપી શક્યા ન હતા. સમય જતા તેમના લગ્ન થયા અને હાલ તેમને ત્રણ બાળકો પણ છે. પોતે ઓછું ભણેલા હોવાથી તેઓ બાળકોને અભ્યાસમાં માર્ગદર્શન આપી શકે તેમ ન હતા. જેથી તેમની મોટી દીકરીના કહેવા પર તેમણે ફરીથી ભણવાનું શરૂ કર્યું છે.
આ અંગે રમેશભાઈ જાનીએ કહ્યું કે, મેં વર્ષ 2001માં શાળા તેમજ પુસ્તકો છોડયા હતા અને 22 વર્ષ બાદ હવે ફરીથી હાથમાં પુસ્તક પકડ્યા છે. મંત્રોચ્ચાર માટે તો અનેક પુસ્તકો વાંચ્યા છે પરંતુ અત્યારે જે પુસ્તકો વાંચું છું તે યાદ રાખવામાં ઘણો સમય લાગે છે. એકવાર ધોરણ-5 માં ભણતી મારી મોટી દીકરીએ મને કહ્યું હતું કે, પપ્પા તમે અત્યારે અમને ભણવામાં મદદ કરી શકતા નથી, તો આગળ ઉચ્ચ અભ્યાસ ક્રમમાં કેવી રીતે મદદ કરશો.!!!! અમને તમારી પાસેથી અપેક્ષા છે કે તમે અમને ભણાવો. જેથી તમે પોતે ફરીથી ભણવાનું શરૂ કરો અને બંને બોર્ડની પરીક્ષા પાસ કરો. જેથી મેં નરેશ મહેતા સરનો સંપર્ક કર્યો હતો. જે મને હાલ ઓનલાઈન ક્લાસમાં નિ:શુલ્ક ભણાવી રહ્યા છે. ઘણા વર્ષોનો ગેપ છે જેથી ભણવાનું અઘરું લાગે છે. પરંતુ દરરોજ 5 કલાકનું વાંચન કરીએ તો તે સારી રીતે સમજી શકાય તેમ છે. ધોરણ-2 માં ભણતી મારી નાની દિકરી મને તેની ભાષામાં કેવી રીતે મુદ્દા યાદ રાખવા તેની ટેકનિક શિખવાડે છે. બાળકોની સાથે જ્યારે હું પોતે ભણવા બેસું છું તે સમયનો અનુભવ અદ્ભુત છે. હું માત્રને માત્ર મારા દીકરા દીકરીઓને ભણાવી શકું તેને માટે હાલ ભણી રહ્યો છું.